પચાસ લાખના ચેક બાઉન્સ કેસમાં આઠ વર્ષ બાદ બિઝનેસવુમન નિર્દોષ જાહેર…

થાણે: ફરિયાદીના નિવેદનમાં અનેક વિસંગતીઓ હોવાનું નોંધીને થાણેની કોર્ટે 2017ના ચેક બાઉન્સ કેસમાં બિઝનેસવુમનને નિર્દોષ જાહેર કરી હતી. નિવૃત્ત પીએસયુ કર્મચારી પોપટરાવ ભાઉસાહેબ ચૌધરીએ ઑગસ્ટ, 2017માં નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરાયો હતો. મિલકતની લેણદેણમાં નિષ્ફળતા અને બાદમાં પચાસ લાખના ત્રણ ચેક બાઉન્સ થયા તે સંબંધી આ કેસ હતો.
2016માં ચૌધરીએ શર્મિલા દિગંબર કપોટે પાસેથી કલવા વિસ્તારમાં 79 લાખ રૂપિયામાં દુકાન ખરીદવાનું નક્કી કર્યું હતું.
ફરિયાદીના જણાવ્યા મુજબ આ સોદામાં પચાસ લાખ રૂપિયા (30 લાખ રોકડા અને 20 લાખ આરટીજીએસ દ્વારા) ચૂકવવામાં આવ્યા હતા.
આરોપી મોર્ટગેજ સંબંધી સમસ્યાઓને કારણે વેચાણ પૂર્ણ કરવામાં નિષ્ફળ જતાં કેન્સલેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને રિફંડ તરીકે ત્રણ ચેક આપવામાં આવ્યા હતા, જે અપૂરતા ભંડોળને કારણે બાઉન્સ થયા હતા.
જોકે એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ સુનિતા પી. પૈઠણકરે ફરિયાદીના નિવેદનમાં અનેક વિસંગતી હોવાનું નોંધ્યું હતું.
ફરિયાદીએ 30 લાખની રોકડ આપી તેનો સ્રોત સિદ્ધ કર્યો નહોતો અને આરટીજીએસની તારીખ તથા કરારની વિગતોમાં વિસંગતી હોવાની કબૂલાત કરી હતી. ફરિયાદીએ કબૂલ કર્યું હતું કે તેની પાસે રોકડ આવકનો કોઇ સ્વતંત્ર સ્રોત નથી. આથી આટલી મોટી રકમ રોકડમાં ચૂકવી તે દાવો અપૂરતો છે અને સામાન્ય નાણાકીય વ્યવહારથી વિપરીત છે, એમ કોર્ટે જણાવ્યું હતું. વળી ચેક આરોપીએ નહીં, પણ તેના ભાઇએ લખી આપ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. આથી ચેક થર્ડ પાર્ટીએ ભર્યો, પોલીસની મધ્યસ્થીથી અપાયો અને તેથી શંકાસ્પદ સંજોગો ઊભા થાય છે, એવી નોંધ કોર્ટે કરી હતી. (પીટીઆઇ)
આ પણ વાંચો…થાણે કોર્ટે વૃદ્ધની હત્યાના કેસમાં દંપતીને નિર્દોષ જાહેર કર્યું