પતિની હત્યાના કેસમાં છ વર્ષ બાદ પત્ની અને તેનો પ્રેમી નિર્દોષ જાહેર…

થાણે: થાણે કોર્ટે 2018માં પતિની હત્યાના કેસમાં છ વર્ષ બાદ પત્ની અને તેના પ્રેમીને નિર્દોષ જાહેર કર્યાં હતાં. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો, જે સાંયોગિક પુરાવા પર આધારિત હતો.
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ એસ.બી. અગ્રવાલે શુક્રવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે બંને આરોપી વચ્ચે લગ્નબાહ્ય સંબંધ હતા એ પુરવાર કરવા માટે પૂરતી સામગ્રી હોવા છતાં આરોપીઓને આ બનાવ પછીની વર્તણૂક પણ શંકાસ્પદ હતી. આમ છતાં તેમણે હત્યા કરી હોવાનું સિદ્ધ થાય એવો નક્કર પુરાવો નથી.
આરોપી પ્રિયા ગોપી નાઇક (34) અને મહેશ ગોવિંદ કરાળે (32) પર હત્યા, ગુનાહિત કાવતરું અને પુરાવા ગાયબ કરવાનો આરોપો હતા. તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું કે લગ્નબાહ્ય સંબંધને લઇ 28 ડિસેમ્બર, 2018ના રોજ પ્રિયાએ મહેશ સાથે મળીને પતિ ગોપી કિસન નાઇકની હત્યા કરી હતી.
દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરને સિવિલ હોસ્પિટલમાં કૉલ આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગોપી કિસન નાઇકને તેની પત્નીએ વાઘબીળ ટનલ ખાતે થયેલા અકસ્માત બાદ દાખલ કર્યો છે. બાદમાં તે ત્યાંથી જતી રહી હતી.
ગોપી નાઇકના મૃત્યુ બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
જેમાં ગોપીના માથામાં કઠણ વસ્તુ ફટકારવામાં આવી હોવાનું તથા ગળું દબાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો, જેમણે ગોપી નાઇકનું મૃત્યુ અકસ્માતને કારણે થયું હોવાનો દાવો કરીને અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, એમ તપાસકર્તા પક્ષે કહ્યું હતું.
જજે જણાવ્યું હતું કે એ ઉલ્લેખ કરવો યોગ્ય રહેશે તે તપાસકર્તા પક્ષનો કેસ સાંયોગિક પુરાવા પર આધારિત છે, જેમાં દરેક સંજોગોને સંપૂર્ણપણે સ્થાપિત કરવા જરૂરી છે. (પીટીઆઇ)
આ પણ વાંચો…મોબાઇલ ગેમને કારણે યુવકની હત્યા: થાણે કોર્ટે ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા



