પોલીસ પર હુમલો, બેદરકારીથી વાહન હંકારવાનો આરોપ: થાણે કોર્ટે બે વેપારીને નિર્દોષ જાહેર કર્યા

યોગેશ ડી. પટેલ
થાણે: થાણે કોર્ટે બેદરકારીથી વાહન હંકારવા અને ટ્રાફિક પોલીસ પર હુમલો કરવાના આરોપનો સામનો કરી રહેલા બે વેપારીને સાત વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યા હતા.
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ એસ.બી. અગ્રવાલે 7 ઑક્ટોબરે આપેલા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આરોપીઓ રવિ ખીમજી સંપત (56) અને જગદીશ કેશવલાલ બિમાને પરના આરોપ પુરવાર કરવામાં તપાસકર્તા પક્ષ નિષ્ફળ ગયો છે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર ટ્રાફિક પોલીસ કર્મચારી નંદકુમાર દાદાસાહેબ ભોસલેએ 23 ફેબ્રુઆરી, 2018ની સવારે બંનેને રોક્યા હતા અને બેદરકારીથી વાહન હંકારવાનો તેમના પર આરોપ કર્યો હતો. બંને જણે ભોસલેને ધમકાવ્યો હતો, તેનો કોલર પકડી તેને ધક્કો માર્યો હતો અને તેના પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: હત્યાના પ્રયાસના કેસમાં થાણે કોર્ટે 2 આરોપીને નિર્દોષ જાહેર કર્યા
કોર્ટે ભોસલે અને તેના સાથીદાર સહિત તપાસકર્તા પક્ષના પાંચ સાક્ષીદારને ચકાસ્યા હતા, પણ આરોપીઓનો અપરાધ પુરવાર કરવામાં પુરાવા અપૂરતા જણાયા હતા.
જજ અગ્રવાલે જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા તેને ધક્કો મારવામાં આવ્યો હોવાના દાવા સિવાય માહિતી આપનાર (ભોસલે) દ્વારા અન્ય પાસા વર્ણવવામાં આવ્યા નથી.
ભોસલેના સાથીદાર અનિલ જાધવે કોર્ટને જણાવ્યું હતું કે એક નાની ઘટના બની હતી અને માહિતી આપનારને તે હોસ્પિટલમાં લઇ ગયો હતો. કોર્ટે નોંધ્યું હતું કે જાધવે એ પણ રજૂઆત કરી હતી કે ઘટના સમયે તે ભોસલે સાથે નહોતો.
(પીટીઆઇ)