આમચી મુંબઈ

એમસીઓસીએ હેઠળ દાખલ કેબલ ચોરીના કેસમાં તમામ સાત આરોપીઓ નિર્દોષ જાહેર

થાણે: 2019માં કેબલ કંપનીના ગોદામમાં થયેલી ચોરીના કેસમાં થાણે કોર્ટે તમામ સાત આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ એમસીઓસીએ (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હેઠળ આરોપીઓની ઓળખ, સંડોવણી તથા ગુનાઓના આવશ્યક સામગ્રી સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો હતો.

વિશેષ એમસીઓસીએ કોર્ટના જજ વી.જી. મોહિતેએ 26 નવેમ્બરે આપેલા પોતાના આદેશમાં કહ્યું હતું કે ઓળખથી લઇને રિકવરી સુધીના પુરાવાની સંપૂર્ણ શ્રેણીમાં મોટી કાનૂની અને પ્રક્રિયાગત ખામીઓ હતી. વિશેષ કોર્ટે તમામ આરોપીઓને ભારતીય દંડસંહિતા અને એમસીઓસીએ હેઠળના આરોપમાંથી મુક્ત કર્યા હતા.

તપાસકર્તા પક્ષ અનુસાર આઠ અજાણ્યા શખસો 18 જુલાઇ, 2019ના રોજ ભિવંડી વિસ્તારના માનકોલી ખાતે આવેલા કેબલ ગોદામમાં ઘૂસ્યા હતા. તેમણે ત્યાંના કર્મચારીઓને બાંધ્યા હતા અને 6.77 લાખ રૂપિયાના પોલીકેબ કેબલના 64 બંડલ સહિત રોકડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ લઇને પલાયન થયા હતા.

આ પણ વાંચો: કેબલ ચોરી થયા બાદ જાગ્યું તંત્ર! મેટ્રોના ઓછી હાઈટવાળા વાયડક્ટ પર લાગશે સીસીટીવી

ગોદામમાં ઘૂસવા માટે અંદરની વ્યક્તિઓએ કંપાઉન્ડની દીવાલમાં બાકોરું પાડ્યું હતું અને તાળાં તોડ્યાં હતાં. પોલીસે બાદમાં આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી હતી.

જોકે કોર્ટે મુખ્ય પ્રત્યક્ષદર્શીઓની જુબાનીઓને વિરોધાભાસ અને પ્રક્રિયાગત ઉલ્લંઘનને કારણે અવિશ્ર્વસનીય ગણાવી હતી. કલ્યાણની આધારવાડી જેલમાં કરાયેલી ઓળખપરેડને પણ ફગાવી દેવામાં આવી હતી.

તપાસકર્તા પક્ષના સાક્ષીઓએ ધરપકડ બાદ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જોયા હતા. આ સંજોગોમાં તેમની જુબાની પર આધાર રાખી શકાય નહીં, એમ કોર્ટે નોંધ્યું હતું.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button