બાળકોને બિલ્ડિંગના બીજા માળેથી ફેંકી દેવાનો આરોપ: થાણે કોર્ટે શખસને નિર્દોષ જાહેર કર્યો

થાણે: બે બાળકને બિલ્ડિંગના બીજા માળેથી ફેંકી દેવાના આરોપનો સામનો કરી રહેલા 33 વર્ષના શખસને થાણે જિલ્લાની કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.
પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ.બી. અગ્રવાલે મંગળવારે આપેલા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આસિફ શબ્બીર ખાન સામેના કેસમાં સાક્ષીદારો નહોતા અને તે બાળકોની જુબાની પર અધારિત હતો, જેમાં સાતત્યતા નહોતી.
કેસના દસ્તાવેજો અનુસાર ફેબ્રુઆરી, 2023માં કૌસા વિસ્તારમાં આસિફ ખાને પાંચ વર્ષના સૈયદ ઝોહાન હુસેન અને ચાર વર્ષની ઝેનબ અન્સારીને બિલ્ડિંગના બીજા માળેથી ફેંકી દીધા હતાં, જેમાં સૈયદનું મૃત્યુ થયું હતું અને ઝેનબ બચી ગઇ હતી.
તપાસકર્તા પક્ષનો કેસ મુખ્યત્વે ઝેનબ અન્સારીની જુબાની અને તેની માતાએ આપેલા ખુલાસા પર આધારિત હતો. બાળકો આરોપીને ‘ફટાકેવાલા અંકલ’ બોલાવતા હતા, કારણ તેણે દિવાળી વખતે તેમને ફટાકડા વહેંચ્યા હતા.
જોકે જજ અગ્રવાલે નોંધ્યું હતું કે આ કેસમાં કોઇ પ્રત્યક્ષ સાક્ષીદારો નહોતા અને તેમણે બાળકની સાક્ષી પર ખૂબ આધાર રાખ્યો હતો, જેની જુબાનીમાં ઊલટતપાસ દરમિયાન સાતત્યતા જણાઇ નહોતી.
ઘટનાની જાણ કરવામાં વિલંબ તરફ કોર્ટે ધ્યાન દોર્યું હતું અને એફઆઇઆર જાતે ઉપજાવી કાઢેલી વાર્તાનું પરિણામ હોય તેવું લાગે છે. જજ અગ્રવાલે બચાવ પક્ષની દલીલને ધ્યાનમાં લીધી હતી કે બિલ્ડિંગનું બાંધકામ અધૂરું હતું અને બાળકો આકસ્મિક રીતે પડી ગયા હશે.
કોર્ટે તારણ કાઢ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપીનો દોષ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે અને ખાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
(પીટીઆઇ)



