નિર્માણાધીન ઈમારત પરથી પડી જતાં મજૂરનું મોત: બિલ્ડર-કોન્ટ્રાક્ટર સામે ગુનો...

નિર્માણાધીન ઈમારત પરથી પડી જતાં મજૂરનું મોત: બિલ્ડર-કોન્ટ્રાક્ટર સામે ગુનો…

થાણે: થાણે જિલ્લાના મુંબ્રા નજીક નિર્માણાધીન ઈમારતના ચોથા માળેથી નીચે પટકાયેલા મજૂરનું મૃત્યુ થતાં પોલીસે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મુંબ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની બપોરે 1.35 વાગ્યે કૌસા પરિસરમાં ખર્ડી રોડ પર આવેલી સાઈટ ખાતે બની હતી. આ પ્રકરણે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ અર્જુન કિશોરી પટવા (39) તરીકે થઈ હતી. દીવા કૉલોનીમાં રહેતો પટવા નિર્માણાધીન ઈમારતના ચોથા માટે પ્લાસ્ટરિંગનું કામ કરી રહ્યો હતો. અચાનક ચોથા માળેથી નીચે પટકાયેલા પટવાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

પ્રાથમિક તપાસમાં એવું જણાયું હતું કે બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઆઈ) જેવાં પાયાનાં સુવિધાનાં સાધનો પૂરાં પાડ્યાં નહોતાં, જેને પગલે પટવાએ જીવ ગુમાવ્યો હતો.

આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 અને 3(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મંગળવારની મોડી સાંજ સુધી આ કેસમાં કોઈની પણ ધરપકડ કરાઈ નહોતી. પોલીસ ટેક્નિકલ પુરાવા ભેગા કરી રહી છે અને ઘટનાસ્થળે હાજર સાક્ષીઓનાં નિવેદન નોંધી રહી છે. (પીટીઆઈ)

Back to top button