થાણેમાં કેમિકલ ભરેલું ટેન્કર વૃક્ષ સાથે ટકરાયું: રિક્ષા, વીજળીના થાંભલાને નુકસાન

થાણે: થાણેમાં ક્રોસિંગ નજીક કેમિકલ ભરેલું ટેન્કર વૃક્ષ સાથે ભટકાતાં રિક્ષા તેમ જ વીજળીના થાંભલાને નુકસાન થયું હતું. રવિવારે રાતના 11.31 વાગ્યાની આસપાસ થયેલા આ અકસ્માતને કોઇને ઇજા થઇ નહોતી, પણ તેને કારણે કલાક સુધી ટ્રાફિક જૅમ સર્જાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે ગુજરાતના દહેજથી ટેન્કર થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં આવી રહ્યું હતું ત્યારે તીન હાથ નાકા નજીક ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટેન્કર રસ્તાને કિનારે વૃક્ષ સાથે અથડાયું હતું.
આપણ વાચો: બાઈક વીજળીના થાંભલા સાથે ભટકાતાં ત્રણ યુવાનનાં મોત
વૃક્ષની મોટી ડાળી પ્રથમ ટેન્કર પર અને બાદમાં નજીકથી પસાર થનારી રિક્ષા પર પડી હતી. જોકે રિક્ષાનો ડ્રાઇવર અને પ્રવાસીઓને કોઇ ઇજા થઇ નહોતી. વૃક્ષની ડાળી તૂટી પડવાથી વીજળીનો થાંભલો તૂટી પડ્યો હતો.
ટેન્કરમાં ટેક્સટાઇલ ફિનિશિંગ, પેપર અને પેકેજિંગ કોટિંગ્સ તથા ક્ધસ્ટ્રકશન મટિરિયલ માટે વપરાતું કેમિકલ હતું. દરમિયાન અકસ્માતની જાણ થતાં પોલીસ, અગ્શિમન દળના જવાનો તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. અકસ્માતને કારણે મુંબઈ-નાશિક માર્ગ પર કલાક સુધી ટ્રાફિક જૅમ સર્જાયો હતો અને વાહનવ્યવહાર અન્યત્ર વાળવામાં આવ્યો હતો. માર્ગ પરથી વૃક્ષની ડાળીઓ હટાવવામાં આવ્યા બાદ વાહનવ્યવહાર પૂર્વવત્ થઇ ગયો હતો. (પીટીઆઇ)



