થાણેમાં પહેલા માળના સ્લેબ સહિત ફ્લોરિંગ નીચે તૂટીને પડતા પતિ-પત્ની જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (પૂર્વ)માં ૩૦ વર્ષ જૂની ચાલીમાં આવેલા એક ઘરનો સિલિંગનો સ્લેબ તૂટી પડતા મહિલા સહિત બે જખમી થયા હતા. બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવીને રહેવાસીઓને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું હતું કે કલવાના વિટાવા વિસ્તારમાં સૂર્યનગરમાં શનિવારે મોડી રાતે આ દુર્ઘટના બની હતી. ધર્મા નિવાસ નામની ચાલીના પહેલા માળા પર આવેલી રૂમ નંબર ચારનો ઉપરનો સ્લેબ શનિવારે રાતના નવ વાગ્યાની આસપાસ તૂટી પડયો હતો.
આપણ વાંચો: ભંડારાની ખાણમાં સ્લેબ તૂટી પડતા બે મજૂરનાં મોત, એક ઘાયલ
સિલિંગનો સ્લેબ પહેલા માળા પર જોશભેર તૂટયો તેની સાથે ઘરનુંં ફ્લોરિંગ પણ તૂટીને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યું હતું, જેમાં ઘરમાં રહેતા ૪૦ વર્ષના સંજય ઉત્તેકર અને તેની પત્ની યોગિતા બંને પણ ફ્લોરિંગ સાથે નીચે પટકાયા હતા.
પતિ-પત્ની ગંભીર રીતે જખમી થયા હતા. તેમને થાણેની પાલિકા સંચાલિત છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આપણ વાંચો: થાણેમાં બિલ્ડંગમાં ફ્લેટનો સ્લેબ તૂટી પડયો: પાલિકાએ બિલ્ડિંગ ખાલી કરાવી
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ સહિત થાણે પાલિકાના અધિકારી-કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડે તાત્કાલિક ધોરણે ધર્મા નિવાસનો વીજ પુરવઠો ખંડિત કર્યો હતો અને તેમાં રહેતા તમામ રહેવાસીઓને સુરક્ષાની દૃષ્ટિએ બહાર કાઢ્યા હતા.
થાણે પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ ચાલી લગભગ ૩૦ વર્ષ જૂની છે અને તેમાં ૨૦ ઘર આવેલા હોઈ લગભગ ૪૫થી ૫૦ રહેવાસીઓ તેમાં રહે છે. સુરક્ષાની દૃષ્ટિએ ચાલીના છ ઘરને ખાલી કરાવીને તેને સીલ કરી દેવામાં આવ્યા છે.
તો ચાલીમાં રહેતા તમામ રહેવાસીઓને તાત્પૂરતા સમય માટે અન્ય જગ્યાએ રહેવાની સૂચના આપવામાં આવી હતી. ચાલીનું બાકી રહેલું બાંધકામ જોખમી હાલતમાં હોવાથી બાંધકામ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.