થાણેમાં બસના ટાયરમાંથી ધુમાડો નીકળ્યો: ૨૦ પ્રવાસી બચાવી લેવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (પશ્ર્ચિમ)માં સેન્ટ્રલ જેલ સામે વહેલી સવારના એક બસના ટાયરમાંથી ધુમાડો નીકળતા બસ ડ્રાઈવરે તરત બસ રોકી લીધી હતી અને બસમાં સવાર તમામ પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
થાણે ફાયરબ્રિગેડ કંટ્રોલના જણાવ્યા મુજબ શુક્રવારે સવારના ૭.૧૦ વાગ્યાની આસપાસ બસ કાસારવડવલીથી થાણે (પશ્ર્ચિમ) સ્ટેશન તરફ જઈ રહી હતી. બસ સેન્ટ્રલ જેલ સામે સેન્ટ્રલ ગ્રાઉન્ડ પાસે પહોંચી હતી ત્યારે અચાનક બસના ટાયરમાંથી ધુમાડા નીકળતા દેખાયા હતા.
આપણ વાચો: દાદર પ્લાઝા પાસે બેસ્ટની બસના એક્સિડન્ટમાં એકનું મોત: ચાર જખમી
ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બસને તરત એક તરફ પાર્ક કરી હતી અને બસમાં પ્રવાસ કરી રહેલા તમામ ૨૦ પ્રવાસીઓને તેમાંથી ઉતારીને બીજી બસમાં બેસાડી દીધા હતા. આ દરમ્યાન ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ધુમાડાને કારણે આગ લાગવાની શક્યતાને પગલે ટાયર પર પાણીનો છંટકાવ કરીને કુલિંગ કરવામાં આવ્યું હતું. સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.



