થાણેમાં ફ્લેટનું સિલિંગ તૂટી પડતાં પરિવારના,ત્રણ સભ્ય ઇજાગ્રસ્ત: ઇમારત ખાલી કરાવાઇ

થાણે: થાણેના કલવા વિસ્તારમાં ઇમારતના બીજા માળે આવેલા ફ્લેટનું સિલિંગ તૂટી પડતાં વૃદ્ધ દંપતી અને તેમનો પુત્ર ઘાયલ થયાં હતાં. ચાર માળની ઇમારતમાં બુધવારે રાતના આ ઘટના બની હતી, એમ પાલિકાના અધિકારીએ કહ્યું હતું.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે કલવાના ભુસારઆળી વિસ્તારમાં આવેલી ઓમ કૃષ્ણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બીજા માળના ફ્લેટનું સિલિંગ બુધવારે રાતે 11.55 વાગ્યે તૂટી પડ્યું હતું.
ઇમારત લગભગ 35 વર્ષ જૂની છે અને પાલિકાએ અગાઉ તેને અસુરક્ષિત અને ખતરનાક જાહેર કરી હતી અને ઇમારત ખાલી કરીને તેને તોડી પાડવાની જરૂર છે, એવું કહ્યું હતું.
આ પણ વાંચો : થાણેમાં પાવરલાઇન નાખવાનું કામ અટકાવવા બદલ નવ સામે ગુનો
બુધવારે રાતે ફ્લેટનું સિલિંગ તૂટી પડતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ અને અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે આખી ઇમારત ખાલી કરાવી હતી, જેમાંના 30 ફ્લેટમાં 100 લોકો રહેતા હતા.
આ ઘટનામાં ઘાયલ થયેલા ત્રણ જણમાં મનોહર દાંડેકર (70), તેની પત્ની મનીષા (65) અને પુત્ર મયૂર (40)નો સમાવેશ થાય છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ આખી ઇમારત સીલ કરી દેવામાં આવી હતી. (પીટીઆઇ)