આમચી મુંબઈ

થાણેથી ભિવંડીનો 30 મિનિટનો પ્રવાસ હવે માત્ર પાંચ જ મિનિટમાં, MMRDAનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ જાણી લો…

થાણે-ભિવંડી વચ્ચે પ્રવાસ કરનારા નાગરિકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. થાણે-ભિવંડી વચ્ચે 20થી 30 મિનિટનો પ્રવાસ કરવો પડે છે અને પ્રવાસ દરમિયાન ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે એ વાત તો અલગ. હવે નાગરિકોની આ સમસ્યાના સમસ્યાના સમાધાન માટે હવે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (MMRDA) દ્વારા એક નવો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. ચાલો જાણીએ શું છે આખો પ્રોજેક્ટ…

25થી 30 મિનિટનો પ્રવાસ પાંચથી સાત મિનિટમાં…

એમએમઆરડીએ દ્વારા રજૂ કરવામનાં આવેલા નવા પ્રોજેક્ટની વાત કરીએ તો આ પ્રોજેક્ટ હેઠળ વસઈ ક્રીક પર છ લેનનો ફ્લાયઓવર બનાવીને થાણે અને ભિવંડીને સીધું દોડવાની યોજના બનાવવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રોજેક્ટને કારણે 25થી 30 મિનિટનો પ્રવાસ પાંચથી સાત મિનિટમાં પૂરો કરી શકાશે.

ક્યાં બનશે આ નવો પૂલ?

મળતી માહિતી મુજબ આ નવો પૂલ થાણેના કોલશેતથી શરૂ થઈને ભિવંડીના કલ્હેર સુધી જશે. વસઈ ક્રીક પર બનનારા બ્રિજની લંબાઈ આશરે 2.2 કિલોમીટર જેટલી હશે અને એને બનાવવા માટે આશરે 430 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. છ લેનવાળા આ બ્રિજનું નિર્માણ થઈ ગયા બાદ 45 મિનિટનો પ્રવાસ મિનિટોમાં પૂરો થશે. આ પ્રોજેક્ટ માટે હાલમાં ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે અને આગામી ત્રણ વર્ષમાં બ્રિજ બનીને તૈયાર થઈ જશે.

ભિવંડીથી ફાસ્ટેસ્ટ અને કમ્ફર્ટેબલ કનેક્ટિવિટી જરૂરી

આવનારા સમયમાં ભિવંડીમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું મહત્ત્વનું સ્ટેશન બનવા જઈ રહ્યું છે આ જ કારણે ભિવંડીથી સુવિધાજનક કનેક્ટિવિટી ખૂબ જ જરૂરી છે. કાપડ ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રને કારણે ભિવંડી શ્રમિકો અને વેપારીઓ માટે મહત્ત્વનું કેન્દ્ર છે. થાણે અને મુંબઈથી મોટી સંખ્યામાં લોકો ભિવંડી આવતા જતાં રહે છે.

પ્રવાસ સરળ બનશે

વર્તમાન સમયમાં પ્રવાસીઓને કોલશેત અને કલ્હેર વચ્ચે બાલકુમ નાકા અને પુરાના કાશેલી પુલ પરથી પ્રવાસ કરવો પડે છે. આ રૂટ ખૂબ જ વ્યસ્ત રહે છે અને તહેવાલોની સિઝનમાં આ પ્રવાસ બે કલાક સુધીનો થઈ જાય છે. નવો પૂલ બન્યા બાદ નાગરિકોને આ સમસ્યામાંતી મુક્તિ મળશે. આ સાથે સાથે ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી અને સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button