આમચી મુંબઈ

થાણેમાં બેન્ક્વેટ હૉલમાં આગ: ૧,૦૦૦થી વધુ લોકોનો સુરક્ષિત બચાવ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે
: થાણે પશ્ચિમમાં ઘોડબંદર રોડ પર એક બેન્કવેટર હોલમાં લગ્નના રિસેપ્શન દરમ્યાન લૉનમાં ગુરુવારે રાતના અચાનક આગ ફાટી નીકળી હતી. કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગ લાગી એ સમયે હોલમાં ૧,૦૦૦થી ૧,૨૦૦ લોકો હાજર હતા. સદ્નસીબે તમામ લોકોને સુરક્ષિત રીતે હૉલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી અને કોઈને ઈજા પહોંચી નહોતી.

થાણેમાં ઘોડબંદર રોડ પર પાનખંડા ગાવમાં ઓવળા વિસ્તારમાં ધ બ્લ્યૂ રુફ ક્લબ આવેલું છે. ગુરવારે અહીં એક લગ્નનો સમારંભ યોજાયો હતો અને મોડી સાંજ બાદ અહીં રિસેપ્શન ચાલી રહ્યું હતું. એ સમયે હોલમાં લગભગ ૧,૦૦૦થી ૧,૨૦૦ મહેમાન હાજર હતા. રાતના લગભગ ૧૦.૫૫ વાગ્યાની આસપાસ ક્લબના લૉનમાં રહેલા સ્ટોર કેબિન અને કેબિનની બહાર રાખવામાં આવેલા મંડપ ડેકોરેશનના સામાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

આગ લાગી હોવાની જાણ થતા જ બેક્વેન્ટ હૉલમાં રહેલા તમામ મહેમાનો સહિત વર-વધુને ઉતાવળેે સુરક્ષાની દૃષ્ટિએ બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા હોલમાં રહેલા સાધનોની મદદથી આગ બુઝાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ આગે મોટું સ્વરૂપ ધારણ કરતા તે શક્ય નહોતું બન્યું. આ દરમ્યાન ઘટના સ્થળે ફાયરબ્રિગેડના બે ફાયર એન્જિન સહિત એક રેસ્ક્યુ વેહિકલ પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ આગની જાણ થતા સમયસર હોલમાં રહેલા નાગરિકો બહાર નીકળી ગયા હતા તેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. લગભગ એક કલાકની જહેમત બાદ ૧૨.૧૦ વાગે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button