અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના સંતાનોને 35 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2017માં હાઇડ્રોલિક ક્રેને અડફેટે લેતાં મૃત્યુ પામેલી 58 વર્ષની મહિલાના સંતાનોને 35.27 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
ટ્રિબ્યુનલના સભ્ય આર.વી. મોહિતેએ ઓરિયેન્ટલ ઇન્શ્યૂરન્સ કંપની લિમિટેડને વળતર ચૂકવવા માટે જવાબદાર ઠેરવી હતી, પણ પોલિસીની શરતોના સ્પષ્ટ ઉલ્લંઘનને ટાંકીને રકમ વાહનમાલિક પાસેથી વસૂલવાનો અધિકાર આપ્યો હતો.
શાલન સુરેશ કાંબળે 20 નવેમ્બર, 2017ના રોજ થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં પગપાળા જઇ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
આપણ વાંચો: માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વેપારીના પુત્રને 1.2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ…
પૂરપાટ વેગે આવી રહેલી હાઇડ્રોલિક ક્રેને મહિલાને અડફેટમાં લીધી હતી અને તેનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું. ઘવાયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં પાંચ દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ પ્રકરણે ક્રેનના ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો હતો.
ટ્રિબ્યુનલે સ્થાપિત કર્યું હતું કે અકસ્માત ક્રેનના ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો હતો. વીમા કંપનીએ દલીલ કરી હતી કે વાહનમાલિકે પોલિસીની શરતોનો ભંગ કર્યો હતો, કારણ કે હાઇડ્રોલિક ક્રેન ચલાવવા માટે ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ નહોતું. ટ્રિબ્યુનલે આરટીઓ ઓફિસના પુરાવાને આધારે આ દલીલને માન્ય રાખી હતી. (પીટીઆઇ)