અકસ્માતમાં મૃત્યુ પામેલા પાલિકાના કર્મચારીના પરિવારને 39.3 લાખ વળતર ચૂકવવાનો આદેશ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અકસ્માતમાં મૃત્યુ પામેલા પાલિકાના કર્મચારીના પરિવારને 39.3 લાખ વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણે જિલ્લામાં 2018માં અકસ્માતમાં મૃત્યુ પામેલા પાલિકાના 38 વર્ષના કર્મચારીના પરિવારજનોને 39.3 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આપ્યો હતો.

ટ્રિબ્યુનલે વીમા કંપની બજાજ એલાયન્સ જનરલ ઇન્શ્યૂરન્સ કંપની લિમિટેડને પહેલા વળતર ચૂકવી દેવાના નિર્દેશ આપ્યા હતા. એ સાથે જ જરૂર પડે તો વીમા માટેની શરતોના ઉલ્લંઘનના કારણસર અકસ્માતમાં સામેલ ટેમ્પો માલિક પાસેથી વળતરની રકમ મેળવવાની સ્વતંત્રતા પણ વીમાં કંપનીને આપી હતી.

આપણ વાંચો: હૈદરાબાદ કેમિકલ ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક 34એ પહોંચ્યો, 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત

થાણે પાલિકાના સફાઇ કર્મચારી તરીકે કામ કરનારો સુનીલ તુકારામ દળવી 27 ડિસેમ્મબર, 2018ના રોજ મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે ટેમ્પોએ તેની મોટરસાઇકલને ટક્કર મારી હતી, જેમાં દળવીનું મૃત્યુ થયું હતું.

દળવીની પત્ની, બે પુત્ર અને માતા-પિતાએ વળતર મેળવવા માટે મોટર વેહિકલ એક્ટની કલમ 166 હેઠળ દાવો દાખલ કર્યો હતો. વીમા કંપનીએ આ દાવાનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે અકસ્માત સમયે દળવીએ હેલ્મેટ પહેર્યું નહોતું. ટેમ્પો ડ્રાઇવર પાસે યોગ્ય લાઇસન્સ નહોતું અને વાહનના યોગ્ય દસ્તાવેજો નહોતા.

આપણ વાંચો: યુપીમાં બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું! અરજદારોને આટલા લાખ રૂપિયા વળતર આપવા આદેશ

જોકે ટ્રિબ્યુનલને જાણવા મળ્યું હતું કે અકસ્માત સમયે વાહનનું યોગ્ય પરમિટ અને ફિટનેસનું પ્રમાણપત્ર હતું, પણ ડ્રાઇવર પાસે યોગ્ય ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. પોલીસે ટેમ્પો ડ્રાઇવર વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું હતું અને દળવી તરફથી બેદરકારી દર્શાવતા કોઇ પુરાવા મળ્યા નહોતા.

ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે ડ્રાઇવર અને માલિકે ક્રિમિનલ કેસ લડ્યો નહોતો અથવા સાક્ષી તરીકે હાજર રહ્યા નહોતા. ટ્રિબ્યુનલે એવું તારણ કાઢ્યું હતું કે અકસ્માત ટેમ્પો ડ્રાઇવરના આડેધડ અને બેદરકાર ડ્રાઇવિંગને કારણે થયો હતો.

ટ્રિબ્યુનલે વીમા કંપની અને ટેમ્પો માલિક, ગુપ્તા ટ્રેડિંગ કંપનીને સંયુક્ત રીતે અને એકલપંડે 39.3 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button