આમચી મુંબઈ

શિવાજી પાર્ક પર દશેરા મેળા માટે ઠાકરે ગ્રૂપને સુધરાઈની શરતી મંજૂરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદરના શિવાજી પાર્ક પર દશેરા મેળાનું આયોજન કરવા માટે ગુરુવારે ઠાકરે ગ્રૂપની શિવસેનાને મુંબઈ મહાનગરપાલિકાએ લેખિતમાં મંજૂરી આપી હતી. ઠાકરે ગ્રૂપને દશેરાના મેળાનું આયોજન કરવા માટે ૨૩ અને ૨૪ ઑક્ટોબરના રોજ મેદાન વાપરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જોકે મંજૂરી આપતા સમયે ૧૮ જેટલી જુદી જુદી શરતો રાખવામાં આવી છે.

શિવાજી પાર્ક મેદાન પર દશેરા રેલીનું આયોજન કરવા માટે શિવસેનાના બંને જૂથોએ મુંબઈ મહાનગરપાલિકા પાસે અરજી કરી હતી. મુખ્ય પ્રધાન શિંદે અને ઉદ્ધવ ઠાકરેના ગ્રૂપ તરફથી મંજૂરી મેળવવા માટે પાલિકાના વોર્ડ પાસે ઑગસ્ટ મહિનામાં બે અરજીઓ આવી હતી. જોકે તેના પર કોઈ નિર્ણય લેવામાં આાવ્યો નહોતો. આ દરમિયાન મંગળવારે શિંદેએ શિવાજી પાર્ક મેદાન માટે કરેલી અરજી પાછી ખેંચી હતી. તેથી ઉદ્ધવ ઠાકરે ગ્રૂપને મંજૂરી મળવાને આડે રહેલી અડચણ દૂર થઈ હતી. જોકે ઠાકરે ગ્રૂપને લેખિતમાં મંજૂરી ગુરુવારે પાલિકાના ‘જી-ઉત્તર’ વોર્ડ તરફથી મળી હતી.

ઉદ્ધવ ઠાકરે ગ્રૂપની શિવસેનાના વિભાગપ્રમુખ મહેશ સાવંતે પાલિકાની ઑફિસમાં જઈને આ મંજૂરી મેળવી હતી. ઝોન-બેના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમાકાંત બિરાદરે કહ્યું હતું કે સભા યોજવા માટે મંજૂરી આપવામાં આવી છે, જોકે નિયમ મુજબ તેમને શરતોનુું પાલન કરવાનું રહેશે.

જુદી જુદી શરતો હેઠળ સમય, ધ્વની પ્રદૂષણ વગેરેની શરતો રાખવામાં આવી છે. ટ્રાફિક પોલીસ પાસેથી ‘નો ઑબ્જેકશન’ સર્ટિફિકેટ, ફાયરબ્રિગેડ પાસેથી ‘નો ઑબ્જેકશન’ સર્ટિફિકેટ સહિત કોર્ટની શરતોનું પાલન કરવાનું રહેશે. તેમ જ પોલીસની મંજૂરી, મેદાનમાં વાહનોના પ્રવેશને મનાઈ રહેશે જેવી ૧૮ શરતોનું પાલન ઠાકરે ગ્રૂપની શિવસેનાને કરવાનું રહેશે.

દર વર્ષે શિવાજી પાર્કમાં દશેરાના મેળાનું આયોજન કરવા માટે પાલિકા તરફથી શિવસેનાને બે દિવસની મંજૂરી આપવામાં આવે છે. ગયા વર્ષે ૨૦૨૨માં કોર્ટે ચાર દિવસની મંજૂરી આપી હતી. આ વર્ષે ઠાકરે ગ્રૂપને ૨૩ અને ૨૪ ઑક્ટોબરની મંજૂરી આપી છે. ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ દિવસના ડિપોઝિટના પણ ચૂકવવાના રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button