કોસ્ટલ રોડ પર હૉર્ડિંગ મુદ્દે આદિત્ય ઠાકરે અને મિલિંદ દેવરામાં જામી
આદિત્યે નિર્ણયની ટીકા કરી તો દેવરાએ સવાલ કર્યો કે ખરો એજેન્ડા જણાવો
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ એવો દાવો કર્યો હતો કે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર કોસ્ટલ રોડ પર ઓછામાં ઓછા ચારથી પાંચ હૉર્ડિંગ લગાવવાની યોજના ઘડી રહી છે, જ્યારે તેને માટે આવી કોઈ જગ્યા ત્યાં છે જ નહીં.
શિવસેનાના સંસદસભ્ય મિલિંદ દેવરાએ જોકે સામે એવો સવાલ કર્યો હતો કે પાલિકા વહીવટીતંત્રને ‘લવ લેટર’ લખવાને બદલે તેમનો ‘ખરો એજેન્ડા’ જાહેર કરે.
આદિત્યે એવો દાવો કર્યો છે કે રાજ્ય સરકાર હાજી અલી અને અમરસન્સ પાર્ક/બ્રીચ કેન્ડીના કોસ્ટલ ગાર્ડનમાં ખુલ્લી જગ્યાઓમાં મહાકાય હોર્ડિંગ લગાવવાની યોજના ઘડી રહ્યું છે.
આ પણ વાંચો :Assembly Election: પ્રદીપ શર્માનાં પત્ની અને દીકરી જોડાયા શિંદેની શિવસેનામાં
તેમણે કોસ્ટલ રોડને વિલંબમાં નાખ્યો છે. ખર્ચમાં વધારો થયો છે. ફક્ત ચૂંટણીમાં લાભ ખાટવા માટે તેમણે ખોટી લેન આયોજન વગર ખોલી નાખી હતી. સ્થાનિક સંસદસભ્ય, વિધાનસભ્ય અને એડવાન્સ લોકાલિટી મેનેજમેન્ટ (એએલએમ)ને લેન્ડસ્કેપિંગ અને ગાર્ડનિંગ માટે વિશ્ર્વાસમાં લેવામાં આવ્યા નહોતા, એમ આદિત્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું.
તેમણે આ પોસ્ટની સાથે પાલિકાના કમિશનરને મોકલવામાં આવેલો પત્ર પણ મૂક્યો હતો.
આદિત્યે કહ્યું હતું કે સરકારે ઓછામાં ઓછા ચારથી પાંચ હોર્ડિંગને માટે કોસ્ટલ રોડ પર રહેલી ખુલ્લી જગ્યાઓમાંથી જગ્યા ફાળવી છે અને તે પણ આ જગ્યાઓ જનતા માટે ખુલ્લી મુકવામાં આવે તે પહેલાં.
અમે આવાં હોર્ડિંગનો આકરો વિરોધ કરીશું. અમારા મૂળ ડ્રીમ પ્રોજેક્ટમાં અને કોર્ટમાં આપવામાં આવેલા અન્ડરટેકિંગમાં હોર્ડિંગ માટે કોઈ જગ્યા જ નથી. મુંબઈગરાને અમારું વચન છે કે જ્યારે આ વર્ષે અમે સરકાર બનાવીશું ત્યારે અમે આ બધા જ હોર્ડિંગ તોડી પાડીશું અને અધિકારીઓ તેમ જ કૉન્ટ્રેક્ટરોને શહેરને વિદ્રુપ કરવા માટે સજા કરીશું, એમ આદિત્યે કહ્યું હતું.
તેમણે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે હોર્ડિંગને આપવામાં આવેલી માન્યતા હોર્ડિંગ-મુક્ત કોસ્ટલ રોડના વિઝનથી વિરોધાભાસી છે. સુપ્રીમ કોર્ટમાં કોસ્ટલ રોડના વ્યાવસાયિક ઉપયોગ ન કરવાની આપવામાં આવેલી બાંયધરીનું ઉલ્લંઘન થશે.
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે સરકારના કૉન્ટ્રેક્ટર મિત્રોને ફાયદો કરાવવા માટે આ હોર્ડિંગને પરવાનગી આપવામાં આવી હતી. પશ્ર્ચિમ તટે વધી રહેલા તોફાન અને વાવાઝોડાને ધ્યાનમાં રાખતાં હોર્ડિંગને કારણે જાનમાલનું જોખમ ઊભું થઈ રહ્યું છે.
આદિત્ય ઠાકરેને વળતો જવાબ આપતાં શિવસેનાના રાજ્યસભાના સાંસદ મિલિંદ દેવરાએ કહ્યું હતું કે પાલિકાના કમિશનરને નાના-મોટા મુદ્દે લવ લેટર લખવાને બદલે મુંબઈના વિકાસ માટેનો ખરો એજેન્ડા રજૂ કરવો જોઈએ. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ મુંબઈના માળખાકીય વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. તમે મુંબઈ મેટ્રો જેવા મોટા પ્રોજેક્ટ ઠપ કરી દીધા હતા, જ્યારે મહાયુતિએ અવિરત કામ કરીને તેમને નિર્ધારિત મુદત પહેલાં પૂરા કરવા માટે મહેનત કરી છે.
મુંબઈને મહાલક્ષ્મી રેસ કોર્સમાં પોતાનો પહેલો પબ્લિક પાર્ક મળવાનો છે, તમારે 2013ના થીમ પાર્કને બદલે હરિયાળીને જાળવી રાખતી આ યોજના છે. વરલી પર ધ્યાન આપો, જ્યાં તમારી બિનલોકપ્રિયતા મેં મારી નજરે શનિવારે જોઈ છે, જ્યાં તમે માંડ 6,500ની સરસાઈ મેળવી શક્યા હતા, એમ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું. (પીટીઆઈ