
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે દર આઠથી પંદર દિવસે યોજાતી શિવસેના (શિંદે) પાર્ટીમાં પ્રવેશ બંધ થઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં ભૂતપૂર્વ કોર્પોરેટરોનો શિંદે સેનામાં પ્રવેશ બંધ થઈ ગયો છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના સાથે આવવાની શક્યતાને કારણે મુંબઈમાં ઉદ્ધવની પાર્ટી છોડીને જનારા હવે ફેરવિચાર કરી રહ્યા છે.
હિન્દી ફરજિયાતના મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. પાલિકાની ચૂંટણીઓ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે અને જો આ બંને ભાઈઓ મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ગઠબંધન કરે છે, તો એવો અંદાજ છે કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાને સૌથી વધુ નુકસાન થઈ શકે છે. હાલમાં, ભલે તે મરાઠીના મુદ્દા પર એક હોય, ઠાકરે ભાઈઓના એકસાથે આવવાથી તેમના કાર્યકરોમાં ઉત્સાહ અને નવચેતના જાગી છે.
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ રાજકારણનો ફાયદો બંનેને થશે. ઓછામાં ઓછું મુંબઈમાં તો તેનો ફાયદો ચોક્કસ થશે. આના કારણે, ઠાકરેના પક્ષમાંથી શિંદેના પક્ષમાં ગયેલા ભૂતપૂર્વ કોર્પોરેટરોમાં હવે અસ્વસ્થતા વધી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેના પક્ષના વરિષ્ઠ નેતાઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે શિંદે પાસે ગયેલા ઘણા ભૂતપૂર્વ કોર્પોરેટરો અને વિધાનસભ્યો અમારા સંપર્કમાં છે અને પાછા ફરવા માગે છે.
19 જૂન પછી કોઈ ભૂતપૂર્વ કોર્પોરેટર પાર્ટીમાં જોડાયો નથી
બીજી તરફ, ઠાકરેના જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટરોનો પાર્ટી પ્રવેશ, જે દર આઠ-દસ દિવસે થતો હતો, તે સાવ બંધ થઈ ગયો હોય તેવું લાગે છે. એવી ચર્ચા છે કે ઠાકરેથી શિંદે તરફનો પ્રવાહ બંધ થઈ ગયો છે. ઉદ્ધવ ઠાકરેએ ભૂતપૂર્વ કોર્પોરેટરોની બેઠક યોજ્યાના બીજા જ દિવસે, ચાંદિવલીના ભૂતપૂર્વ કોર્પોરેટર વિજેન્દ્ર શિંદે અને વિભાગ વડા અજિત ભંડારી નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પાર્ટીમાં જોડાયા હતા, શિંદેએ આગલા દિવસે બેઠકમાં આવેલા કોર્પોરેટરને આકર્ષીને ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો હતો. જોકે, ત્યાર બાદ મુંબઈના કોઈ ભૂતપૂર્વ કોર્પોરેટર શિંદે સેનામાં જોડાયા નથી.
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ હિન્દી ફરજિયાત કરવાનો વિરોધ શરૂ કર્યા પછી, બંને ભાઈઓ એક સાથે આવવાની ચર્ચા થઈ હતી. ત્યારે જ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના ભૂતપૂર્વ કોર્પોરેટર સંજય તુર્ડે શિંદેની શિવસેનામાં જોડાયા હતા. એવી ચર્ચા હતી કે શિંદેએ તુર્ડેને પાર્ટીમાં જોડીને રાજ ઠાકરેને પડકાર ફેંક્યો હતો. ઠાકરે ભાઈઓ ભેગા થયા પછી, શિંદેની પાર્ટીના પદાધિકારીઓએ પણ વિવિધ રીતે રાજને આકર્ષવાનો પ્રયાસ કર્યો. એક તરફ, રાજ ઠાકરેને આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા હતા, તો બીજી તરફ, શિંદેની બેવડી રણનીતિને કારણે મનસે કાર્યકરોમાં અવિશ્ર્વાસ છે.