મહાનગરપાલિકાના પાર્કિંગમાં ભયંકર આગ
૧૬ ફોર વ્હિલર અને બે ટુ વ્હિલર બળીને ખાખ
મુંબઈ: દાદરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોહિનૂર પાર્કિંગમાં લાગેલી આગમાં ૧૬ ફોર-વ્હીલર અને બે ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડે મધરાતે ૨.૩૦ વાગ્યાની આસપાસ આગને કાબુમાં લીધી હતી. જોકે આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું હતું.
દાદર પશ્ર્ચિમમાં પ્લાઝા સિનેમાની પાછળ મ્યુનિસિપલ જાહેર પાર્કિંગ છે. ત્રીસ માળની ઇમારતમાં ભોંયરામાં ત્રણ માળ અને ૧૩ માળ સુધી પાર્કિંગ છે. તેની ઉપરના ૧૪થી ૩૦ માળ પર રહેણાંક બ્લોક્સ છે. સોમવારે રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે ભોંયરાના ચોથા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલરને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના વાહનો, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડે મધરાતે ૨.૩૦ વાગ્યાની આસપાસ આગને કાબુમાં લીધી હતી. વિદ્યુત વ્યવસ્થામાં ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા ફાયર અધિકારીઓએ વ્યક્ત કરી છે. પાર્કિંગમાં કાર એક પછી એક નજીક નજીક પાર્ક કરેલી હોવાથી એક પછી એક બધી કારમાં આગ લાગી હોવાની શક્યતા પણ સત્તાવાળાને વ્યક્ત કરી છે. દરમિયાન આ અકસ્માતના કારણે મહાનગરપાલિકાના પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારની સલામતીનો પ્રશ્ન સામે આવ્યો છે. તેમજ વાહનમાલિકોનું નુકસાન કેવી રીતે ભરપાઈ થશે તે પ્રશ્ર્ન પણ ઊઠી રહ્યો છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના જી નોર્થ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત સપકાળેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો ન હતો.