Advisory: મુંબઈમાં આજે Terrace Party કરવાના હો તો આટલી વાતનું ધ્યાન રાખજો!
મુંબઈઃ નવા વર્ષના સ્વાગત માટે આજે મુંબઈગરાઓએ તૈયારી આરંભી દીધી છે અને થર્ટીફર્સ્ટની પાર્ટીનાં આયોજનો થવા લાગ્યાં છે. હોટેલ્સ-બાર આખી રાત ધમધમતા હશે ત્યારે અનેક હાઉસિંગ સોસાયટીમાં ટેરેસ પાર્ટી થશે. પોલીસે અગાશી પર પાર્ટીને પરવાનગી આપી છે, પણ તેની સાથે કેટલાક નિયમો ફરજિયાત પાળવાનું જણાવ્યું છે. ધીમા અવાજે મ્યુઝિક વગાડવા સાથે નીચી પાળવાળી અગાશીઓની ચારે બાજુ પડદા લગાવવાનું પોલીસ દ્વારા ખાસ સૂચવવામાં આવ્યું છે.
મહિલા-બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખજો! નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી પબ્સ, બાર્સ અને રેસ્ટોરાં પહેલી જાન્યુઆરીના મળસકે પાંચ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની પરવાનગી અપાઈ છે. દારૂ પીને વાહન ન ચલાવવાની અપીલ પોલીસે કરી છે. થર્ટીફર્સ્ટની રાતે ઠેકઠેકાણે પોલીસ અને ટ્રાફિક પોલીસ તપાસ માટે તહેનાત રહેશે. નાગરિકોની, ખાસ કરીને મહિલા અને બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અવાજની મર્યાદા જાળવીને મ્યુઝિક વગાડજો! પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં હાઉસિંગ સોસાયટીની અગાશીઓ પર મ્યુઝિક સાથેની પાર્ટીઓને મધરાત સુધી જ પરવાનગી આપવામાં આવી છે.
Also read: મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટને મેટ્રો દ્વારા જોડવામાં આવશે
તેમાંય અવાજની મર્યાદા જાળવીને મ્યુઝિક વગાડવાનું રહેશે. મધરાત પછી મ્યુઝિક વિના અને કોઈને ખલેલ ન પહોંચે એ રીતે પાર્ટી ચાલુ રાખી શકાશે. રહેવાસીઓની સુરક્ષા ધ્યાનમાં રાખવી પડશે! એક અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં મોટા ભાગની બિલ્ડિંગની અગાશીઓ બંધ રાખવામાં આવે છે. આત્મહત્યા કે અકસ્માત મૃત્યુ જેવી ઘટનાને પગલે અગાશી લૉક કરવાનો નિર્ણય લેવાતો હોય છે, પણ થર્ટીફર્સ્ટની પાર્ટી દરમિયાન અગાશી ખુલ્લી મૂકવામાં આવે છે. અગાશી પર પાર્ટીનું આયોજન કરાયું હોય તો રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખવી પડશે. નાની પાળવાળી અગાશી પર પડદા લગાવવાનું પોલીસ દ્વારા કહેવાયું છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તેમ છતાં કોઈ ઘટના બને તો સોસાયટીના સેક્રેટરી જવાબદાર ગણાશે.
પોલીસની બાજ નજર રહેશે ઉજવણીના સ્થળે પોલીસ ટેરેસ પાર્ટીઓ અને નવા વર્ષની ઉજવણીના આયોજનનાં સ્થળોએ નજર રાખશે. યુવાનો ભેગા થવાના હોય એવાં સ્થળોએ ખાસ નજર રાખવામાં આવશે, જેથી પાર્ટીની ઉજવણી દરમિયાન ડ્રગ્સનો ઉપયોગ ન થાય અને કોઈ અઘટિત ઘટના ન બને. નવા વર્ષના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે એવાં સ્થળો જૂહુ, વર્સોવા, બાન્દ્રા બૅન્ડસ્ટૅન્ડ, વરલી સી ફેસ, મરીન ડ્રાઈવ અને ગોરાઈ બચી પર પોલીસની સ્પેશિયલ ટીમ હાજર રહેશે.