આમચી મુંબઈ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવઃ ઘાટકોપરનો આર્મી જવાન ઉરીમાં શહીદ

મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર તોફાની વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ગુરુવારે રાત્રે બન્ને દેશ વચ્ચે થયેલા હવાઇ હુમલામાં મુંબઈમાં મજૂરીનું કામ કરતા પિતાનો જવાન દીકરો પાકિસ્તાનના વિરુદ્ધમાં લડતી વખતે શહીદ થયો હતો.

મૂળ ઘાટકોપરના પંતનગરમાં રહેતા શહીદ મુરલી નાઇક (૨૩)નો પાર્થિવ દેહ તેના આંધ્ર પ્રદેશના નિવાસસ્થાને આવતા જ આખુ ગામ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યું હતું. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ પણ ટ્વિટ કરીને મુરલી નાઇકને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈ હવે કચ્છનો દરિયાઈ માર્ગ સીલ, માછીમારીમાં પ્રતિબંધ…

મુરલી મૂળ આંધ્ર પ્રદેશનો રહેવાસી છે, પરંતુ તેના પિતા મુંબઈમાં ઘાટકોપર ખાતે મજૂરીનું કામ કરે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ રહેલા હવાઇ હુમલા દરમિયાન શુક્રવારે વહેલી સવારે ૩.૩૦ કલાકે જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે તહેનાત મુરલી નાઇક શહીદ થયો હતો. તેઓ ૨૦૨૨માં લશ્કરી દળમાં જોડાયા હતા અને તેમને ટ્રેનિંગ દેવલાલી, નાશિક ખાતે લીધી હતી.

સૌથી પહેલા મુરલી આસામમાં તહેનાત હતા અને ત્યાર બાદ પંજાબ અને છેવટે ઊરીમાં તેમને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. તેના પિતા શ્રીરામ નાઇક અને માતા જ્યોતિ નાઇક ઘાટકોપરના પંતનગરમાં રહે છે. મુરલી નાઇકની અંતિમવિધિ તેના આંધ્ર પ્રદેશના મૂળ ગામ કલ્કી તાંડા, જિલ્લો સત્યસાઇ નગર ખાતે શનિવારે સાંજે થશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button