બીડમાં મંદિરમાં લગાવેલા લીલાધ્વજને કારણે ગામમાં તંગદિલીજાલનામાં દરગાહમાં ઘૂસી તોડફોડ: અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો…

છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લાના એક ગામમાં મંદિરમાં લગાવવામાં આવેલા લીલા ધ્વજને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે મધ્યસ્થી કરીને બે અલગ સમુદાયના લોકો સાથે વાત કર્યા બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. બીજી તરફ જાલના જિલ્લામાં અજાણી વ્યક્તિએ દરગાહમાં ઘૂસીને તોડફોડ કરતાં ગુનો દાખલ કરાયો હતો.
બીડના પાચેગાવમાં તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અને ગૂડી પડવા નિમિત્તે રવિવારે અહીંના કનિફનાથ મંદિરથી વાર્ષિક યાત્રા કાઢવામાં આવી હતી.
સોમવારે ઇદની ઉજવણી દરમિયાન કેટલાક લોકોએ મંદિરમાં ભગવો ધ્વજ ઉપરાંત લીલો ધ્વજ પણ મૂક્યો હતો, જેને કારણે ગામમાં અમુક સમય સુધી તંગદિલી ફેલાઇ હતી, જેને પગલે પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી. પોલીસે ગામમાં બે અલગ સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી અને ત્યાર બાદ મંદિરમાંથી બંને ધ્વજ હટાવવામાં આવ્યા હતા. ગામમાં વધુ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગેવરાઇ પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હોઇ હજી સુધી કોઇ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.
દરમિયાન જાલના જિલ્લામાં અજાણી વ્યક્તિએ દરગાહમાં ઘૂસીને તોડફોડ કરી હતી, જેને પગલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જાલનાના કિરોલા ખાતે રવિવારે આ ઘટના બની હતી. કિરોલા ખાતેના બદનાપુર વિસ્તારમાં તારા શાહઅલી પીરશાહ દરગાહમાં અજાણી વ્યક્તિ ઘૂસી હતી અને તેણે અંદર માળખા અને ફ્લોરિંગની તોડફોડ કરી હતી, એમ જાલના પોલીસે જણાવ્યું હતું. આ ઘટના બાદ નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)
આપણ વાંચો : ઈદની ઉજવણી પૂર્વે બીડની મસ્જિદમાં જિલેટિન સ્ટિક્સના બ્લાસ્ટથી ખળભળાટ…