નાહુર બર્ડ પાર્ક માટેના ટેન્ડરને મુદત વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરમાં મુલુંડ (પશ્ર્ચિમ)ના નાહુરમાં બનાવવામાં આવી રહેલા બર્ડ આઈવરી પ્રોજેક્ટ (બર્ડ પાર્ક)ના ટેન્ડર પ્રક્રિયાને અપૂરતો પ્રતિસાદ મળવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ ટેન્ડર માટેની મુદત વધારી દીધી છે અને હવે ૩૧ ઑક્ટોબર, ૨૦૨૫ના બપોર સુધીમાં ઈચ્છુક લોકો ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
સુધરાઈએ નાહુરમાં એક્ઝોટિક બર્ડ પાક બનાવવા માટે ૧૬૬ કરોડ રૂપિયાની બીડ મગાવી છે. આ પાર્કમાં મકાઉ, ટુકન, હંસ, શાહમૃગ જેવી પ્રજાતિએ હશે, જેમાં સ્ટેનલેસ સ્ટીલ ટેન્સાઈલ વાયર મેશથી કુદરતી લાગે તે મુજબના ઘર બનાવવામાં આવવાના છે. આ પ્રોજેક્ટમાં બગીચો, તળાવ, પક્ષીઓ માટે ઘર, વાડો અને કૃત્રિમ રોકવર્ક પણ ઊભું કરવામાં આવવાનું છે. આ પ્રોજેક્ટમાં પશુચિકિત્સા હૉસ્પિટલ, ક્વોરન્ટાઈન ઝોન સહિત અન્ય સુવિધા પણ હશે. પર્યટકો માટે બર્ડ શો, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, એવી સિસ્ટમ, ઈકો ફેન્ડ્રલી લાઇટિંગની સિસ્ટમ વગેરે પણ હશે.
પાલિકાના કબજામાં રહેલી લગભગ ૧૭,૧૩૯.૬૪ ચોરસ મીટર ક્ષેત્રફળની જગ્યામાંથી ૧૦,૮૫૯ ચોરસ મીટર ક્ષેત્રફળની જગ્યા પર બર્ડ પાર્ક બનાવવાનું પ્રસ્તાવિત છે. તે માટે ૧૭ ઑક્ટોબર, ૨૦૨૫ સુધી ટેન્ડર માટેની મુદત આપવામાં આવી હતી. જોકે ટેન્ડરને ખાસ પ્રતિસાદ નહીં મળતા પ્રશાસને સમયમર્યાદા લંબાવીને ૩૧ ઑક્ટોબર, ૨૦૨૫ની કરી નાખી છે.
બર્ડ પાર્કમાં ટિકીટ ઘર, શૌચાલય, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ જેવી સુવિધા પણ અહીં ઉપલબ્ધ હશે. આ બર્ડ પાર્કને કારણે પક્ષી તથા પ્રાણી અને પર્યાવરણ વિષયમાં લોકોમાં જાગરૂકતા આવશે. તેમ જ પાલિકાની આવકમાં પણ વધારો થશે. બર્ડ પાર્કનું બાંધકામ વીરાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયમાં બાંધવામાં આવલે બર્ડપાર્ક જેવું હશે.
આ પણ વાંચો…નાહુર બર્ડ પાર્કના ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સામે સુધરાઈએ કર્યો આ દાવો…