આમચી મુંબઈ

તાપમાનમાં ફરી વધારો: હળવા વરસાદની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાએ ગયા અઠવાડિયે મસ્ત મજાની ઠંડીની મજા માણ્યા બાદ હવે ફરી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. મુંબઈમાં લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી સુધી નીચું ગયા બાદ તાપમાનમાં ફરી વધારો થઈને ૧૯.૬ ડિગ્રી સુધી પહોંચી ગયું છે ત્યારે આ અઠવાડિયામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ફરી એક વખત હળવા છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડવાની શક્યતા હવામાનના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

ગયા અઠવાડિયાની શરૂઆતમાં ૧૯ નવેમ્બરે ૧૬.૨ ડિગ્રી સુધી નીચું ગયા પછી શનિવારે સવારના મુુંબઈનું લઘુતમ તાપમાન વધીને ૧૯.૬ ડિગ્રી થઈ ગયું હતું, જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું હતું. જયારે કોલાબામાં લઘુતમ તાપમાન ૨૩.૨ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું હતું.

હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે મધ્ય મહારાષ્ટ્ર પર એક એન્ટિસાયક્લોન રચાઈ રહ્યું છે, જે ઉત્તરીય પવનોના પ્રવાહમાં અવરોધ લાવી રહ્યા છે. ઉત્તરીય પવનો શહેરને ઠંડુ કરે છે. આ સાથે જ ઉત્તરીય-પૂર્વીય ચોમાસું દક્ષિણ ભારતમાં ફરી શરૂ થયું છે. આ બંને પરિબળો સાથે કામ કરી રહ્યા હોવાથી ગરમ અને ભેજવાળા દક્ષિણ-પૂર્વીય પવનો લઘુતમ અને મહત્તમ આ બંને તાપમાન વધારી રહ્યા છે. આ પરિબળની અસર ૨૬ નવેમ્બર, બુધવાર સુધી ચાલુ રહેવાની ધારણા છે, જેને કારણે દિવસ વધુ ગરમ થશે અને રાત ભેજવાળી રહેશે અને તેને કારણે આગામી અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં છૂટાછવાયો હળવો વરસાદની શક્યતા છે.

નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં નવ નવેમ્બરથી શહેરમાં લઘુતમ તાપમાન ઘટવાનું શરૂ થયું હતું અને શરૂઆતમાં તાપમાન ૨૦ ડિગ્રીથી ગગડીને ૧૯.૬ ડિગ્રી સુધી નોંધાયું હતું. મુંબઈમાં સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બરમાં હળવા શિયાળાનો અનુભવ થતો હોય છે.

આપણ વાંચો:  હાર્બર લાઈનની ટ્રેન સેવા ૩ કલાકથી વધુ સમય માટે ખોરવાઈ

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button