આમચી મુંબઈ

મુંબઈમાં તાપમાનનો પારો ૧૫ ડિગ્રી

ફેબ્રુઆરીમાં સૌથી નીચું તાપમાન રવિવારના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં શિયાળાની મોસમ લગભગ પૂરી થઈ ગઈ છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી મુંબઈ સહિત રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જણાઈ રહ્યો છે. રવિવારે મુંબઈમાં સાતાંક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે. તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નાશિકમાં ૧૦.૨ ડિગ્રી નોંધાયું હતું.

મુંબઈમાં છેલ્લા બે ત્રણ દિવસથી ફરી ઠંડી પડી રહી છે. રવિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫.૦ ડિગ્રી નોંધાયો હતો, જે સામાન્ય કરતા ચાર ડિગ્રી ઓછું હતું અને મહત્તમ તાપમાન ૩૨.૭ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કોલાબામાં લઘુતમ તાપમાન ૧૯.૫ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૦.૦૬ ડિગ્રી નોંધાયું હતું.

રવિવારના મુંબઈમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો હતો, જે ફેબ્રુઆરી ૨૦૨૨ બાદ ફેબ્રુઆરીનુું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૨માં શહેરનું સૌથી નીચું તાપમાન ૧૪.૮ ડિગ્રી નોંધાયું હતું.

હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ આ અઠવાડિયામાં મુંબઈમાં ઠંડીનું જોર રહેશે. બાદમાં ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. છેલ્લા એક અઠવાડિયામાં મુંબઈમાં દૈનિક તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો હતો. મુંબઈમાં તાપમાનમાં ઘટાડો થવા માટે ઉત્તર ભારતમાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનો જવાબદાર છે. હાલ ઉત્તર ભારતમાં કાશ્મીરમાં બરફ પડી રહ્યો છે, ત્યાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે મુંબઈ સહિત રાજ્યમાં તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નાશિકમાં રહી હતી. અહીં તાપમાનનો પારો ૧૦.૦૨ ડિગ્રી, પુણેમાં ૧૦.૦૯ ડિગ્રી, જળગાંવમાં ૧૨.૦ અને હિલ સ્ટેશન મહાબળેશ્ર્વર ૧૪.૪ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

આ દરમિયાન રાજ્યના આ વર્ષે શિયાળામાં ઠંડી કરતા કમોસમી વરસાદ જ રહ્યો છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદે હાજરી પૂરાવી હતી. હવે મહિનાના અંતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. સોમવારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદના ઝાપટા પડ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button