મુંબઈમાં તાપમાનનો પારો ૧૮.૬ ડિગ્રી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાએ બુધવારે વહેલી સવારના શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. ચાલુ વર્ષે શિયાળાની મોસમમાં પહેલી વખતે તાપમાનનો પારો ૧૮.૬ ડિગ્રી જેટલો નીચો નોંધાયો હતો. આગામી દિવસોમાં પણ મુંબઈમાં તાપમાન ઠંડક જળવાઈ રહેવાનો અંદાજો છે. મુંબઈની સાથે રાજ્યમાં પણ હાલ મોટાભાગના જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન જળગાંવમાં ૯.૧ ડિગ્રી નોંધાયું હતું.
મુંબઈમાં દિવાળીના સમયમાં કમોસમી વરસાદ પડયા બાદ વાતાવરણમાં ઠંડી-ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે છેલ્લા ત્રણ-ચાર દિવસથી મુંબઈમાં વહેલી સવારના ઠંડક વર્તાઈ રહી હતી અને લઘુતમ તાપમાન પણ નીચો ઉતરી રહ્યો હતો. મંગળવારે મુંબઈમાં લઘુતમ તાપમાન ૧૯.૮ નોંધાયું હતું, જેમાં હજી ઘટાડો થઈને બુધવારે સવારના મુંબઈમાં ૧૮.૬ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી ઓછું હતું. જયારે કોલાબામાં લઘુતમ તાપમાન ૨૨.૪ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૧.૩ ડિગ્રી ઓછું હતું.
આ દરમ્યાન કોલાબામાં દિવસના મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૦૫. ડિગ્રી ઓછું હતું જ્યારે સાંતાક્રુઝમાં ૩૨.૪ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૧.૫ ડિગ્રી ઓછું હતું. આગામી દિવસમાં વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાનનો પારો નીચો જ રહેવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી.
આ અગાઉ ૧૧ નવેમ્બર, ૨૦૧૬માં સાંતાક્રુઝમાં ૧૬.૩ ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું. તો ૨૧, ૨૨ અને ૨૯ નવેમ્બર ૨૦૨૨ના સાંતાક્રુઝમાં ૧૭ ડિગ્રી નોંધાયું હતું. તો મુંબઈમાં અત્યાર સુધી નવેમ્બરમાં સૌથી ઓછું તાપમાન ૧૯ નવેમ્બર, ૧૯૫૦ની સાલમાં ૧૩.૩ ડિગ્રી નોંધાયું હતું. જયારે કોલાબામાં ૨૦ નવેમ્બર, ૧૯૮૧ રોજ ૧૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં પણ મોટાભાગના જિલ્લામાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે.
છેલ્લાં ચાર-પાંચ દિવસથી જળગાંવમાં પારો સતત નીચો નોંધાઈ રહ્યો છે. બુધવારે જળગાંવમા ૯.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૨.૫ ડિગ્રી, માલેગાંવમાં ૧૧.૦ ડિગ્રી, અહમદનગરમાં ૧૨.૬ ડિગ્રી, કોલ્હાપુરમાં ૧૮.૧ ડિગ્રી, નાશિકમાં ૧૦.૬ ડિગ્રી, પુણેમાં ૧૩.૭ ડિગ્રી, બીડમાં ૧૧.૫ ડિગ્રી સહિત વિદર્ભના મોટાભાગના જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ૧૦થી ૧૪ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો.



