ઉત્તર મુંબઈની બેઠક ઉપરથી તેજસ્વી ઘોસાળકર લડશે?
અભિષેક ઘોસાળકરની હત્યા બાદ સહાનૂભૂતિના મત મળી શકે
(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ: દહિસર ખાતેના ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્યના પુત્ર તેમ જ નગરસેવક રહી ચૂકેલા અભિષેક ઘોસાળકરની હત્યા બાદ તેમની પત્ની લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા છે. મૌરિસ નોરાન્હા નામના અસામાજિક તત્વ દ્વારા અભિષેક ઘોસાળકરની ફેસબુક લાઇવ વીડિયો દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ લાવ્યો હતો અને ખૂબ જ ચર્ચાસ્પદ કિસ્સો રહ્યો હતો.
જોકે, અભિષેક ઘોસાળકરની હત્યા બાદ તેમની પત્ની તેજસ્વી ઘોસાળકર ઉત્તર મુંબઈની બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. હજી સુધી મહાવિકાસ આઘાડીએ મુંબઈના પોતાના ઉમેદવારો જાહેર નથી કર્યા ત્યારે ઉત્તર મુંબઈ બેઠક ઉપરથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા તેજસ્વી ઘોસાળકરને ઉમેદવારી આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
અભિષેકના પિતા વિનોદ ઘોસાળકર શિવસેનાના દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે અને અભિષેક પોતે પણ રાજકારણમાં સક્રિય હતા અને નગરસેવક રહી ચૂક્યા હતા. તે યુવાન હતા અને યુવા વયે તેમની હત્યા થવાથી દહિસરના સ્થાનિકો તેમ જ ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિકોના હૃદયમાં પીડા છે અને રોષ પણ છે. એવામાં અભિષેકના પત્નીને ઉમેદવારી આપવામાં આવે તો તેમને સહાનુભૂતિના આધારે જનતા મત આપે તેવી શક્યતા પણ છે.
તેજસ્વી પાડશે ભાજપના ગઢમાં બાકોરું?
ઉત્તર મુંબઈની બેઠક તે ભાજપનો ગઢ માનવામાં આવે છે અને વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય છેલ્લાં અનેક વર્ષોથી તેમાં ભાજપ જ જીત હાંસલ કરતી આવે છે. તેમાં જો તેજસ્વી ઘોસાળકરના પોતાના પ્રયત્નો, અભિષેકની મૃત્યુના કારણે લોકોના મનમાં રહેલી સહાનુભૂતિ અને વિનોદ ઘોસાળકરના કદ આ ત્રણેય પરિબળો ધ્યાનમાં રાખીને જો ઉત્તર મુંબઈવાસીઓ તેજસ્વીને મત આપે તો આ જીત ઐતિહાસિક મનાશે.