આ શિક્ષકને દારૂનો ઑર્ડર મોંઘો પડ્યો…

મુંબઈ: બાંદ્રાના 48 વર્ષીય શિક્ષકે વાઈન શોપમાંથી દારૂ મંગાવ્યો હતો. તેમને ડિલિવરી તો મળી ન હતી, પરંતુ 1.5 હજારની કિંમતના દારૂ માટે લગભગ 31 હજાર વસૂલવામાં આવ્યા હતા. તેમણે બાંદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી, આ અંગે કેસ નોંધવામાં આવ્યો અને વધુ તપાસ ચાલી રહી છે.
ફરિયાદી નેહા (નામમાં ફેરફાર) એક નામાંકિત અંગ્રેજી શાળામાં શિક્ષિકા છે. તેમણે પોલીસને આપેલી માહિતી મુજબ, 13 ડિસેમ્બરે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ તેઓ પેરી વાઈન નામની દુકાનમાંથી દારૂ મંગાવવા માંગતા હતા. આ માટે તેમણે ગૂગલ પર તેનો નંબર સર્ચ કર્યા બાદ કોલ કર્યો હતો. ફોન ઉપાડનાર વ્યક્તિએ દારૂનો ઓર્ડર લીધો અને નંબર મોકલીને GPay દ્વારા 1500 રૂપિયા મોકલવાનું કહ્યું.
નેહાએ પૈસા મોકલ્યા અને ફોન પરની વ્યક્તિએ તેને GPay પર કોડ 29991 દાખલ કરવાનું કહ્યું હતું. તેના કહેવા પ્રમાણે નેહાએ તે કોડ નાખ્યો અને તેના ખાતામાંથી 29 હજાર 991 રૂપિયા કપાઈ ગયા. ત્યાર બાદ પણ ફોન પરનો વ્યક્તિ જુદા જુદા કારણો આપી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. આથી જ્યારે નેહાએ તેને ફોન કર્યો ત્યારે તેણે જવાબ ન આપતાં ફરિયાદીને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમણે બાંદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.