આમચી મુંબઈ

ડિસેમ્બર સુધી ટીબીની દવાઓ મળતી બંધ થશે?

મુંબઈ: ટીબી (ક્ષયરોગ)ની દવાઓનો પુરવઠો સંતોષકારક હોવાથી પ્રસારમાધ્યમો દ્વારા દવાઓ ઉપલબ્ધ થવામાં મુશ્કેલીના સમાચારોમાં તથ્ય ન હોવાનું કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય તરફથી જણાવાતું હોવા છતાં વાસ્તવિક સ્થિતિ જુદી છે. કેન્દ્ર સરકારે એ દવાઓના પુરવઠા બાબતે ટેન્ડર સંબંધી કાર્યવાહી ગયા મહિને શરૂ કરી હોવાથી ડિસેમ્બરના અંત સુધી ટીબીની દવાઓ મળવામાં મુશ્કેલી પડશે, એમ સ્થાનિક ટીબી કો-ઓર્ડિનેટર્સે જણાવ્યું હતું.

ક્ષયરોગ ભારતમાં સાર્વજનિક આરોગ્યની દૃષ્ટિએ મહત્ત્વનો વિષય છે. એ બિમારીની સારવાર માટે દવાઓનો અખંડ પુરવઠો આવશ્યક છે. ક્ષયરોગનું નિદાન કરવામાં આવ્યું હોય એવી પ્રત્યેક વ્યક્તિને સારવાર તાત્કાલિક અને અડચણો વગર દવા મળવી આવશ્યક છે. કેટલાક મહિનાથી ટીબીની દવાઓની તૂટના માહોલમાં દરદીઓ, તેમના સગાં અને ડૉક્ટરોને ઘણી મુશ્કેલી પડે છે. કેમિસ્ટની દુકાનોમાં એ દવાઓની ટંચાઈ જોવા મળે છે.

ક્ષયરોગની દવાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી ન હોવાનું કેન્દ્રનું આરોગ્ય મંત્રાલય કહે છે, પરંતુ તેની દવાઓની ખરીદી માટે ટેન્ડરનો પ્રોસેસ ઑગસ્ટ મહિનામાં શરૂ કરાયો છે. એ ટેન્ડર પ્રોસેસ પૂરો થયા પછી દવાઓ ગોદામોમાં આવે અને ત્યાંથી રાજ્યસ્તરે તેનું વિતરણ કરવામાં આવે તેમાં ઘણી વાર લાગશે. ત્યાંથી દરેક જિલ્લાના ક્ષયરોગ નિદાન કેન્દ્રો સુધી દવાઓ પહોંચાડવામાં આવશે. આ બધી કામગીરીમાં બે-ત્રણ મહિના પસાર થશે. તેથી ટીબીની દવાઓ ડિસેમ્બર સુધીમાં સરળતાથી ઉપલબ્ધ થવાની શક્યતા ટીબી કો-ઓર્ડિનેટર્સ દર્શાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button