મહારાષ્ટ્રમાં આ બીમારીનું છે મોટું જોખમ, રોજના નોંધાય છે આટલા કેસ
મુંબઈ: મહારાષ્ટ્રમાં આ વર્ષે ટીબીના કેસમાં વધારો થયો છે. વર્ષ 2023ના જાન્યુઆરીથી લઈને નવેમ્બર સુધી ટીબી (ટ્યુબરક્લોસીસ)ના એક કલાકમાં અંદાજે 25 જેટલા દર્દી મળતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ટીબીના કેસના નિયંત્રણ માટે સૌથી પહેલા લક્ષણો જાણતા તરત જ તેની તપાસ કરવી અને આ તેનો ચેપ બીજાને ન લાગે તેની કાળજી લેવી. ટીબીના કેસને લઈને હવે સરકાર દ્વારા લોકોમાં જાગરુકતા વધારવનું કામ કરવામાં આવે એવું નિષ્ણાંતોએ કહ્યું હતું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2025 સુધી દેશમાંથી ટીબીને ભગાડવાનું લક્ષ્ય રાખ્યું છે જેના માટે સરકાર દ્વારા વધુ ટીબીના દર્દીઓની તપાસ કરી તેમની સારવાર શરૂ કરવામાં આવે, પણ 2023માં જાન્યુઆરીથી લઈને 19 ડિસેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં ટીબીના 2,10,000 કેસ નોંધાયા હતા. આ આંકડા મુજબ વર્ષ 2018 અને 2023ના આંકડામાં કોઈ ઘટાડો કે વધારો જોવા મળ્યો નથી.
મહારાષ્ટ્ર સરકાર ટીબીને રોકવા માટે ટેસ્ટિંગ પર વધારે ફોકસ કરી રહ્યું છે. આ કામકાજ માટે ખાનગી હોસ્પિટલના ડોક્ટરને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ લોકોની તપાસ કરી શકાય. સરકાર આગામી બે વર્ષોમાં જેટલી થઈ શકે તેટલી વધારે ટેસ્ટિંગ કરશે, જેથી ટીબીના કેસમાં ઘટાડો લાવી શકાય.
રાજ્યના મોટા શહેરોમાં સૌથી વધુ ટીબીના દર્દીઓ મળી આવે છે. આવા મેટ્રો શહેરમાં એક નાના ઘરોમાં છથી સાત લોકો રહે છે. જો આ ઘરમાં એકને પણ ટીબી હશે તો તે બાકીના લોકોને પણ સંક્રમિત કરી શકે છે. રાજ્યમાં કુપોષિત લોકોને ટીબીનું સૌથી વધારે જોખમ રહે છે તેમ જ કોઈ પણ પ્રકારનું વ્યસન કરનારાને પણ ટીબી ઝડપથી શિકાર બને છે.
સરકારનું 2025 સુધીમાં દેશને ટીબીમુક્ત કરવાની યોજના મુશ્કેલીમાં મુકાઇ છે. આ મામલે સરકારે વધુ પગલાં લેવા જોઈએ. રાજ્યની અનેક હોસ્પિટલમાં ટીબીની દવાઓ નથી મળતી, તેથી આ મામલે પણ કોઈ નિર્ણય સરકારે લેવો જોઈએ, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈમાં દર વર્ષે 55,000 જેટલા ટીબીના દર્દીના કેસ મળે છે. 2025નો લક્ષ્યાંક પ્રાપ્ત થાય એ મુશ્કેલ લાગે છે, પણ સરકારના દરેક પ્રયત્નોને કારણે આગામી થોડા વર્ષોમાં ટીબીના કેસમાં ઘટાડો જોવા મળશે, એવું જણાવ્યુ હતું.