
વાયકર સામે ઈડીની કાર્યવાહી મંગળવારે અને બુધવારે થશે રાજન સાળવી સામે એસીબીની તપાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનામાં ભંગાણ પડ્યું અને પક્ષ બે જૂથોમાં વહેંચાઈ ગયો. એક શિંદે જૂથ અને બીજું ઠાકરે જૂથ. શિંદે જૂથે પક્ષ અને પ્રતીકને પોતાના હાથમાં લીધું અને ત્યારથી ઠાકરે જૂથને ઘેરવાનું શરૂ કર્યું. ઠાકરેની સાથે તેમના વિધાનસભ્યો અને સાંસદો પર પણ અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. એક તરફ વિધાનસભ્યોની અપાત્રતાના કેસનો બુધવારે ચૂકાદો જાહેર થવા જઈ રહ્યો છે તો બીજી તરફ ઠાકરે જૂથની મુશ્કેલીઓ વધી ગઈ છે. એજન્સીઓની કાર્યવાહીમાં ઠાકરેના વફાદાર વિધાનસભ્યો રવીન્દ્ર વાયકર અને રાજન સાળવીની તપાસ એજન્સીઓની કાર્યવાહી ચાલુ થઈ છે.
ઠાકરે જૂથના વિધાનસભ્ય રવિન્દ્ર વાયકરના ઘરે મંગળવારે સવારથી જ ઈડીના દરોડા શરૂ થયા હતા. ઇડીએ રવિન્દ્ર વાયકરની માતોશ્રી ક્લબ અને નિવાસસ્થાન સહિત કુલ ચાર સ્થળો પર તપાસ આદરી હતી. ઈડીએ કથિત જોગેશ્વરી પ્લોટ કૌભાંડમાં તેમને અનેક નોટિસો જારી કરી હતી. એવી માહિતી ફરિયાદી ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આપી હતી. ઈડીએ ઠાકરેના વિધાનસભ્ય રવિન્દ્ર વાયકરના ઘર પર તપાસ કરી રહી છે. કથિત જોગેશ્વરી પ્લોટ કૌભાંડ મામલે સવારે સાત વાગ્યાથી
કાર્યવાહી ચાલી રહી છે. રવિન્દ્ર વાયકર અને તેના પરિવારની ઈડી અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત, શું ત્યાં કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ છે? આ અંગે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ખરેખર કેસ શું છે?
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ રવિન્દ્ર વાયકર પર આક્ષેપો કર્યા હતા. આ ફરિયાદ જોગેશ્વરીની એક હોટલને લગતી હતી. વાયકરે મુંબઈ મહાનગરપાલિકાના આરક્ષિત પ્લોટ પર ફાઈવ સ્ટાર હોટેલ બનાવી છે. વાયકરે પાલિકાની પરવાનગી લીધી ન હતી. સોમૈયાએ તેમની ફરિયાદમાં દાવો કર્યો હતો કે આ લગભગ ૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ હતું. આર્થિક ગુના ખાતાની તપાસ વિભાગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેની ગંભીર નોંધ લેતા આર્થિક ગુના શાખાએ વાયકરને પૂછપરછ માટે બોલાવ્યા હતા. વાયકર પૂછપરછમાં હાજર રહ્યા હતા. જે બાદ વાયકરની મુશ્કેલી વધી છે અને આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.
રાજન સાળવી
ઠાકરે જૂથના વિધાનસભ્ય રાજન સાળવીના પરિવારના સભ્યોની બુધવારે (૧૦ જાન્યુઆરી, ૨૦૨૪) અલીબાગમાં એસીબી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવશે. રાજન સાળવીનાં ભાભી તબીબી કારણોસર તપાસમાં ગેરહાજર રહેશે. તેથી, સાળવીના ભાઈ અને ભત્રીજાની પૂછપરછ થશે. સાળવી તેમના પરિવાર સાથે એસીબી સમક્ષ પૂછપરછ માટે હાજર રહેશે. રાજન સાળવીએ મંગળવારે કહ્યું હતું કે આવતીકાલે મારી અને મારા પરિવારની એસીબી દ્વારા તપાસ કરવામાં આવશે. ભવિષ્યમાં મને ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે, હું ઉદ્ધવ ઠાકરેનો ટેકો નહીં છોડું.
રાજાપુરના ઉદ્ધવ ઠાકરે તરફી વિધાનસભ્ય રાજન સાળવીની એસીબી તપાસના કારણે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા લાંચ રૂશ્વત વિભાગે રાજન સાળવીના પરિવારને નોટિસ પાઠવીને પૂછપરછમાં હાજર રહેવા જણાવ્યું હતું. તેમજ રાજન સાળવીની એસીબી દ્વારા થોડા દિવસો પહેલાં પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે અલીબાગની એસીબી કચેરીની સૂચના મુજબ, રાજન સાળવીના રત્નાગીરી શહેરમાં આવેલા બંગલા અને તેમની હોટલનું જાહેર બાંધકામ વિભાગ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.