શેરબજારમાં ટાટાના શેરોમાં ૧૫ ટકા સુધીનો ઉછાળો, નિફ્ટી ૨૫,૦૦૦થી ફરી છેટો રહી ગયો
નિલેશ વાઘેલા
મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે બેન્કિંગ, પાવર અને ઔદ્યોગિક શેરોમાં થયેલા વધારાને આધારે ગુરુવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ઝોનમાં પ્રવેશવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૧૪૪.૩૧ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૮૧,૬૧૧.૪૧ પોઇન્ટના સ્તર પર બંધ થયા છે. દિવસ દરમિયાન, તે ૫૩૫.૭૪ પોઈન્ટ અથવા ૦.૬૫ ટકા વધીને ૮૨,૦૦૨.૮૪ પોઇન્ટની ઇન્ટ્રા-ડે હાઈ ઊંચી સપાટી પર પહોંચ્યો હતો.
જ્યારે નિફ્ટી ૧૬.૫૦ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકા વધીને ૨૪,૯૯૮.૪૫ પોઇન્ટ પર બંધ થયો હતો. ઈન્ટ્રા-ડે ટ્રેડમાં તે ૧૫૨.૧ પોઈન્ટ્સ અથવા ૦.૬૦ ટકા વધીને ૨૫,૧૩૪.૦૫ પોઇન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
ગુરુવારે ટાટા ગ્રૂપની કંપનીઓના શેર ૧૫ ટકા સુધી વધ્યા હતા, જેમાં ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા કેમિકલ્સ અને ટાટા ટેલિસર્વિસિસ ટોપ ગેઇનર્સમાં હતા. ટાટા સન્સના ચેરમેન એમેરિટ્સ રતન ટાટા, જેમણે જૂથને ગ્લોબલ કોંગ્લોમરેટમાં પરિવર્તિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તેમનું બુધવારે મોડી રાત્રે ૮૬ વર્ષની વયે નિધન થયું હતું.
નોંધવું રહ્યું કે, રતન ટાટાની ચેરમેનશિપ હેઠળના ૨૧ વર્ષમાં ટાટા જૂથના આવક ૪૬ગણી વધીને રૂ. ૪.૭૫ લાખ કરોડ સુધી પહોંચી, નફો ૫૧ ગણો અને માર્કેટ કેપિટલ ૩૩ગણું થઇ ગયું. ટાટા જૂથની નવ કંપનીના શેરમાં પાંચ વર્ષમાં ૫૦૦ ટકાનો વધારો થયો છે.
આ પ વાંચો : રેટ કટ ટળવા છતાં સત્રના પાછલા ભાગની વેચવાલીએ સેન્સેક્સમાં ગાબડું પાડ્યું, નિફ્ટી ૨૫,૦૦૦ની ઉપર ટકવામાં નિષ્ફળ
સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી કોટક મહિન્દ્રા બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી બેંક, પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેંક, મારુતિ સુઝુકી ઇન્ડિયા, એનટીપીસી, એક્સિસ બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો ટોપ ગેઇનર્સ શેરોમાં સમાવેશ હતો. જ્યારે ટેક મહિન્દ્રા, સન ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફોસીસ, ટાઇટન, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતાં.
બજારના સાધનોે જણાવ્યું હતું કે, શેરબજારમાં વીકલી એક્સપાઇરીના દિવસની શરૂઆત મક્કમ ટોન સાથે થઇ હતી અને સારો એવો સુધારો નોંધાવ્યો હતો, પરંતુ લેવાલી માટે પર્યાપ્ત કારણોના અભાવમાં બેન્ચમાર્ક તે જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યો હતો અને બાકીના સત્રમાં રેન્જબાઉન્ડ ચાલે અથડાતો રહ્યો હતો. એકંદરે મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં બેન્ક નિફ્ટી ટોપ ગેઇનર બન્યો હતો અને ત્યારબાદ મેટલ ઇન્ડેક્સનો ક્રમ હતો. જ્યારે આઇટી અને ફાર્મા શેરોમાં સૌથી વધુ કરેક્શન જોવા મળ્યું હતું.
બ્રોડર માર્કેટ્સમાં ડાયવર્જન્સ જોવા મળ્યું હતું, જેમાંં મિડકેપ્સ શેરોમાં વેચવાલી રહેતા તેનો ઇન્ડેક્સ રેડ ઝોનમાં સરક્યો હતો, જ્યારે સ્મોલકેપ બેન્ચમાર્ક ઈન્ડેક્સ કરતાં આગળ રહ્યો હતો. હાલ ૨૪,૯૦૦ના સ્તરે મજબૂત સપોર્ટ અને ૨૫,૨૦૦ના સ્તરે મજબૂત રેઝિસ્ટન્સ લેવલ છે. બંને બાજુ બ્રેકઆઉટ આગામી ચાલનો સ્પષ્ટ સંકેત આપશે.
બીજા ક્વાર્ટરના કોર્પોરેટ પરિણામોની શરૂઆત પહેલા નકારાત્મક પૂર્વગ્રહ સાથે બજાર રેન્જ બાઉન્ડ ટ્રેડ થઇ રહ્યું છે. એશિયન બજારે સારી શરૂઆત કરી હતી પરંતુ યુએસના મુખ્ય ફુગાવાના ડેટાની અપેક્ષાએ યુરોપીયન બજારો નકારાત્મક વલણ તરફ વળ્યા હતા અને વૈશ્ર્વિક બોન્ડ યીલ્ડમાં વધારો થઇ રહ્યો હોવાથી એશિયામાં પણ સુધારો ટકી શક્યો નહોતો.
ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં એશિયાઈ બજારોમાં ટોક્યિો, હોંગકોંગ, શાંઘાઈ અને સિઓલ ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. બુધવારે અમેરિકી બજારો ઉછાળા સાથે બંધ થયા હતા. મધ્ય-સત્રના સોદામાં યુરોપિયન બજારો નીચા મથાળે ટ્રેડ થઇ રહ્યા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદાના વેપારમાં ૧.૩૭ ટકા વધીને ૭૭.૬૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું.