Tata Mumbai Marathon 2024: મુંબઈ મૅરેથૉનમાં ઇથોપિયાના રનર્સનું રાજ: 59,000થી વધુ લોકો દોડ્યા
ભારતીયોમાં મેન્સમાં શ્રીનુ બુગાથા પ્રથમ અને વિમેન્સમાં ગુજરાતની નિરમાબેન ઠાકોર અવ્વલ

મુંબઈ: એશિયાની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ટાટા મુંબઈ મૅરથોનની 19મી સીઝનમાં અપેક્ષા મુજબ ઇથોપિયાના રનર્સે બાજી મારી છે. એલીટ મેન્સ રેસમાં ઇથોપિયાના હેઇલ લેમી બેર્હાનુએ બે કલાક, સાત મિનિટ, પચાસ સેક્ધડ (2:07:50)ના સર્વશ્રેષ્ઠ ટાઇમિંગ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું.

વિમેન્સમાં ઇથોપિયાની જ ઍબરૅશ મિન્સેવૉ 2:26:06ના ટાઇમિંગ સાથે પ્રથમ આવી હતી. આફ્રિકન દેશના આ બંને ગોલ્ડ મેડલ વિજેતાઓએ 42.195 કિલોમીટરની મૅરેથૉન એલીટ રેસમાં અગ્રસ્થાન મેળવવાની સાથે પોતાના દેશનું નામ રોશન કર્યું હતું. એટલું જ નહીં, મુંબઈ મૅરેથૉન સહિત વિશ્ર્વની અનેક મૅરેથૉનમાં પોતાના દેશના જ રનર્સ ઘણા વર્ષોથી ફર્સ્ટ આવી રહ્યા છે એ પરંપરા પણ જાળવી રાખી હતી.

મુખ્ય રેસમાં ભાગ લેનાર ભારતીયોમાંથી મેન્સમાં ભારતીય લશ્કરનો શ્રીનુ બુગાથા (2:17:29) પ્રથમ આવ્યો હતો, જ્યારે ગોપી થોનાકલ (2:18:37) બીજા નંબરે અને શેર સિંહ તન્વર (2:19:37) ત્રીજા નંબરે આવ્યો હતો.

42.195 કિલોમીટરની એલીટ રેસમાં ભારતીયોમાંથી મહિલાઓમાં ગુજરાતની જાણીતી રનર નિરમાબેન ભરતજી ઠાકોર 2:47:11ના ટાઇમિંગ સાથે પ્રથમ ક્રમે આવી હતી. 26 વર્ષની નિરમાબેન ઠાકોરનું આ બેસ્ટ પર્સનલ ટાઇમિંગ છે. તેમણે ભારતીયોમાં પ્રથમ આવ્યા પછી કહ્યું, ‘મારે ગુજરાતમાંથી નાશિકમાં સ્થળાંતર કરવું પડ્યું હતું, કારણકે મારા રિઝલ્ટ્સ સંતોષકારક નહોતા આવતા. નાશિકમાં આવ્યા પછી સતતપણે હું સારું પર્ફોર્મ કરી રહી છું.’
ભારતીય મહિલાઓમાં ગોલ્ડ મેડલ જીતનાર નિરમાબેનના પાટણના હાજીપુરની છે. તે ખેડૂતપુત્રી છે. નિરમાબેને રનિંગમાં વધુ તાલીમ લેવા માટે ભંડોળ મેળવવા ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો.

નિરમાબેન બે કલાક અને 40 મિનિટમાં આ રેસ પૂરી કરવા માગતી હતી, પરંતુ રેસના છેવટના ભાગમાં ઝડપ વધારી શકી નહોતી અને બે કલાક, 47 મિનિટ, 11 સેક્ધડના સમયમાં રેસ પૂરી કરી હતી. હવે તેણે ઑલિમ્પિક ક્વૉલિફિકેશન મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારતીય મહિલાઓમાં રેશમા કેવાટે (3:03:34) સિલ્વર મેડલ અને શ્યામલી સિંહ (3:04:35) બ્રૉન્ઝ મેડલ જીતી હતી. શ્યામલી ફાઇટર રનર છે, કારણકે તેણે બે વર્ષ પહેલાં બ્રેઇન ટ્યૂમરનું ઑપરેશન કરાવ્યું હતું અને એની મુશ્કેલીમાંથી બહાર આવીને ફરી રનિંગની તાલીમ મેળવી મુંબઈ મૅરેથૉન સુધી પહોંચી અને કાંસ્યચંદ્રક જીતી ગઈ.
એલીટ ટૉપ-ટેન મેન્સમાં પ્રથમ ક્રમાંકિત હેઇલ બેર્હાનુ પછી બીજા તથા ત્રીજા નંબરે પણ ઇથોપિયાના જ રનર્સ મેદાન મારી ગયા હતા. હૅમનૉટ ઍલ્યૂ (2:09:03) સિલ્વર મેડલ અને મિત્કુ તાફા (2:09:58 ) બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
વિમેન્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ઇથોપિયાની ઍબરૅશ મિન્સેવૉની આ પહેલી જ મુંબઈ મૅરેથૉન હતી. તેના પછી બીજા તથા ત્રીજા નંબરે તેના જ દેશની અનુક્રમે મુલુહાટ ત્સેગા (2:26:51) અને મેધિન બેયેન (2:27:34) આવી હતી અને અનુક્રમે સિલ્વર મેડલ તથા બ્રૉન્ઝ મેડલ જીતી હતી.
વહેલી સવારે પાંચ વાગ્યે મૅરેથૉન શરૂ થઈ એ પહેલાંથી જ અંદાજે 59,000થી પણ વધુ રનર્સે એમાં ભાગ લેવાની પૂરી તૈયારી કરી લીધી અને પછી રેસમાં જોડાયા હતા જેમાં મુંબઈ બહારના શહેરો તથા નગરોના, ખાસ કરીને ગુજરાત રાજ્યના અને વિદેશોના રનર્સનો પણ સમાવેશ હતો.

વિશ્ર્વની ટોચની મૅરેથોનમાં ગણાતી મુંબઈ મૅરેથૉનનો આરંભ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) થયો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ મશહૂર મૅરેથૉનને ફ્લૅગ-ઑફ કરી હતી અને એ અવસરે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ અન્ય પ્રધાનો અને મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.
