કેન્સરની રેડિયેશન થેરપી માટે ટાટા હોસ્પિટલ ૧૧ માળની ઇમારત બનાવશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

કેન્સરની રેડિયેશન થેરપી માટે ટાટા હોસ્પિટલ ૧૧ માળની ઇમારત બનાવશે

મુંબઈ: કેન્સરની સારવાર, સંશોધન અને શિક્ષણ માટે ટાટા મેમોરિયલ સેન્ટરે (ટીએમસી) ખારઘર સ્થિત એક્ટ્રેક ખાતે ૧૧ માળની ઇમારત બાંધવાનું કામ હાથ ધર્યુ છે. દેશના સૌથી મોટા રેડિયેશન થેરપી કેન્દ્રોમાંનું એક કેન્દ્ર આ ઇમારતમાં શરૂ કરવામાં આવશે, જે અત્યાધુનિક કેન્સર સારવાર ટેકનોલોજીથી સજ્જ હશે. સામાજિક જવાબદારીના ભાગરૂપે આ ઇમારત માટે આયસીઆયસીઆય બેંકે ૬૨૫ કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું છે.

મહારાષ્ટ્રના નવી મુંબઈ, પંજાબના મુલ્લાનપુર (નવું ચંદીગઢ) અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક-એક એમ ત્રણ અત્યાધુનિક કેન્સર કેન્દ્રોની ઇમારત ટીએમસી દ્વારા બાંધવામાં આવશે, જેના આ માટે આયસીઆયસીઆય બેંક દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ટીએમસીને ૧૮૦૦ કરોડ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે. તેના પ્રથમ તબક્કાના કામની શરૂઆત ખારઘરથી થઈ છે. આ ઇમારતનો ભૂમિપૂજન સમારોહ રવિવારે યોજાયો હતો.

આપણ વાંચો: ગુજરાત હાઈ કોર્ટે ખૂનના આરોપીને કેન્સરની સારવાર માટે વિદેશ જવા મંજૂરી ના આપી

કેન્સરના વધતા જતા દર્દીઓને ધ્યાનમાં રાખીને, દેશમાં તાત્કાલિક જરૂરી એવા તબીબી, તકનીકી અને પેરામેડિકલ સ્ટાફના શિક્ષણ અને તાલીમ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર અને બે બેઝમેન્ટ ધરાવતી આ ૧૧ માળની ઇમારત ૩.૪ લાખ ચોરસ ફૂટમાં બાંધવામાં આવશે. તેમાં ૧૨ અત્યાધુનિક લિનિયર એક્સિલરેટર્સ અને કેન્સર સંબંધિત અન્ય અદ્યતન ઉપકરણો હશે.

લિનિયર એક્સિલરેટર્સ કેન્સરના કોષોને ચોક્કસ રેડિયેશન આપે છે, જેનાથી આસપાસની તંદુરસ્ત પેશીઓને ઓછું નુકસાન થાય છે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન ૨૫,૦૦૦ નવા દર્દીઓને ઓપીડીમાં સારવારની સુવિધા મળશે. આ કેન્દ્ર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button