પાણીના બિલ નહીં ભરનારા ૪૮૮ ગ્રાહકોના નળના જોડાણ ખંડિત

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં પાણીના બિલ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોના પાણીના જોડાણ કાપી નાખવાનું પગલું થાણે મહાનગરપાલિકાએ લીધું હતું. થાણે પાલિકાએ ૨૩ ફેબ્રુઆરીથી ૨૯ ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં ૪૮૮ નળના જોડાણ ખંડિત કર્યા હતા. તો ૧૬૭ મીટર જપ્ત કરવાની સાથે ૨૪ પંપ રૂમ સીલ કર્યા હતા. આ દરમિયાન બાકી રહેલા પાણીના બિલ પર વસૂલવામાં આવતી પ્રશાસકીય ફીમાં ૧૦૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાની યોજનાને લંબાવવાની પાલિકા કમિશનર અભિજિત બાંગરે મંજૂરી આપી હતી.
થાણે મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૩-૨૪ના આર્થિક વર્ષમાં કુલ ૨૨૩ કરોડ રૂપિયાના પાણીના બિલ વસૂલ કરવા અપેક્ષિત હતા, તેમાં ૮૮ કરોડ રૂપિયાના અગાઉના બાકી રહેલા બિલના હોઈ ૧૩૪ કરોડ રૂપિયા ચાલુ વર્ષના પાણીના બિલ છે. તેમાંથી ૨૨ કરોડ રૂપિયાની બાકી રહેલી રકમ અને ૫૯ કરોડ રૂપિયા ચાલુ વર્ષના બિલના એમ કુલ ૮૧ કરોડ રૂપિયા વસૂલ થઈ ગયા છે. ૩૧ માર્ચ સુધી લગભગ ૧૪૧ કરોડ રૂપિયાના બિલ વસૂલ કરવાનો પાલિકા સમક્ષ પડકાર છે.
થાણે પાલિકા એડિશનલ કમિશનર સંદીપ માળવીએ ગયા અઠવાડિયામાં પાણી પુરવઠા વિભાગને પાણીના બિલ તાત્કાલિક ધોરણે વસૂલ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને બાકી રહેલા બિલ નહીં ભરનારા લોકોના પાણીના નળના જોડાણ કાપી નાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તે મુજબ સાત દિવસમાં ૪૮૮ નળના જોડાણ ખંડિત કરવામાં આવ્યા છે.