મુંબઈગરાઓ માટે આવ્યા રાહતના સમાચાર, ટેન્કરચાલકોએ પાછી ખેંચી હડતાળ…

મુંબઈઃ મુંબઈમાં લગભગ ચારેક દિવસ પછી આજે વોટરટેન્કર ચાલકે પોતાની હડતાળ પાછી ખેંચી છે. મુંબઈની વોટર ટેન્કર એસોસિયેશને (MWTA) પોતાની હડતાળ આખરે પાછી ખેંચવાને કારણે અસરગ્રસ્તોએ રાહતનો શ્વાસ લીધો હતો. અગાઉ મુંબઈ મહાનગર પાલિકાએ મુંબઈમાં પાલિકાના ટેન્કરચાલકના પાણી આપનારા કૂવાના માલિકોને નોટિસ પાઠલી હતી, જેનાથી ટેન્કરચાલક એસોસિયેશન દ્વારા તેનો જોરદાર વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હડતાળ પર જવાનું નક્કી કર્યું હતું.

ટેન્કરના પાણીનો વપરાશકર્તાઓને થઈ રાહત
ટેન્કરચાલકોએ હડતાળ પાછી ખેંચી લેવાને કારણે સ્થાનિકોને રાહત થઈ છે, તેમાંય વળી જે લોકો સૌથી વધુ ટેન્કરના પાણી પર નિર્ભર હતા. અમુક વિસ્તારોની ઓફિસ અને રહેવાસી વિસ્તારોમાં પણ ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી હડતાળને કારણે પાણીની અછત ઊભી થઈ હતી. આજે ટેન્કરચાલકોએ હડતાળ સમેટી લેવાની કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો: મુંબઈમાં ટેન્કરચાલકોએ પાણીનો પુરવઠો બંધ કર્યો, જાણો કારણ?
તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવાનો નિર્દેશ
આ મુદ્દે જલ શક્તિ મંત્રાલયને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રશાસનને અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે એમડબલ્યુટીએએ હડતાળ સમેટી લેવાની જાહેરાત કરી હતી તેમ જ જરુરિયાતમંદોને તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવાનો નિર્દેશ કર્યો હતો.
250થી 300 મિલિયન પાણી ટેન્કરથી પૂરું પડાય છે
પાલિકાના કમિશનરે એસોસિયેશનને આશ્વાસન આપ્યું હતું કે જ્યાં સુધી સીજીડબલ્યુએ સાથે કોઈ ઉકેલ આવે નહીં, ત્યાં સુધી નોટિસ રદ્દ કરવામાં આવશે. તમારી જાણ ખાતર જણાવીએ કે મુંબઈમાં દૈનિક ધોરણે પાણીની જરુરિયાત લગભગ 4,463 મિલિયન લિટરની છે. પાલિકા પ્રશાસન રોજના 3,950 મિલિયન લિટર પાણી પૂરું પાડે છે, જ્યારે બાકી 250થી 300 મિલિયન વોટર સ્ટોક ખાનગી ટેન્કર મારફત પૂરું પાડવામાં આવે છે. આ પાણીનો સ્ટોક ખાસ કરીને બોરવેલ અને કૂવાના પાણીમાંથી કાઢવામાં આવે છે.
હાઉસિંગ સોસાયટી, કોર્પોરેટ ઓફિસ, થિયેટરને મુશ્કેલી ઊભી થઈ હતી
વોટર ટેન્કર એસોસિયેશન દ્વારા જણાવ્યું હતું કે શહેરમાં મોટા ભાગની જગ્યાએ જ્યાંથી પાણી ભરવામાં આવે છે, ત્યાં ખાનગી કૂવા, બોરવેલ અથવા રિંગ વેલ છે, જ્યારે એનો વિસ્તાર પણ મુંબઈના પોશ વિસ્તારોમાં છે. મુંબઈમાં વોટર ટેન્કર એસોસિયેશનની હડતાળને કારણે માયાવીનગરીમાં પાણીની કટોકટી ઊભી થઈ હતી, જેમાં ખાસ કરીને હાઉસિંગ સોસાયટી (અન્ડર કન્સ્ટ્રક્શન) કમર્શિયલ કોમ્પલેક્સ, કોર્પોરેટ ઓફિસ, મોલ અને થિયેટરનો સમાવેશ થયો હતો. પાણીનો પુરવઠો બંધ થવાને કારણે કોર્પોરેટ હાઉસમાં પણ ઘરેથી કામ કરવાનો નિર્દેશ કર્યો હતો. મુંબઈમાં લગભગ સાત ટકા પાણી ટેન્કરથી પૂરું પાડવામાં આવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.