થાણેમાં વાહન સાથે કેમિકલ ભરેલું ટેન્કર ટકરાયું: કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બચાવી લેવાયો…

થાણે: થાણેમાં સોમવારે મોડી રાતે કેમિકલ ભરેલું ટેન્કર અજાણ્યા વાહન સાથે ભટકાયું હતું, જેને કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જૅમ સર્જાયો હતો. અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નહોતી, પણ ટેન્કનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો અને અગ્નિશમન દળના જવાનોએ બાદમાં તેને ઉગારી લીધો હતો.
શિળ વિસ્તારમાં કલ્યાણ ફાટા ખાતે ટ્રાફિક પોલીસ પોસ્ટ નજીક સોમવારે મોડી રાતે 1.42 વાગ્યે આ અકસ્માત થયો હતો.
ગુજરાતથી ડોંબિવલી તરફ જઇ રહેલા ટેન્કરમાં 24 ટન જેટલું એનિલિન કેમિકલ ભરેલું હતું, જેનો ઉપયોગ પેઇન્ટ, પોલિમર્સ અને ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં થાય છે.
ટેન્કરના ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને તે કલ્યાણ ફાટા તરફ જઇ રહેલા અજાણ્યા વાહન સાથે અથડાયું હતું. અકસ્માતને કારણે ટેન્કરની કેબિનને નુકસાન થયું હતું અને ડ્રાઇવર ઓમપ્રકાશ યાદવ તેમાં ફસાઇ ગયો હતો. અકસ્માતની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને પંદર મિનિટમાં ડ્રાઇવરને બહાર કઢાયો હતો.
દરમિયાન અડધો કલાકના પ્રયાસ બાદ હાઇડ્રા મશીનની મદદથી ટેન્કરને માર્ગ પરથી હટાવવામાં આવ્યું હતું. અકસ્માતને કારણે થાણેથી કલ્યાણ ફાટા તરફ જતા વાહનો અડધો કલાક સુધી ધીમે ધીમે આગળ વધી રહ્યાં હતાં. બાદમાં વાહનવ્યવહાર પૂર્વવત થઇ ગયો હતો.