પ્રધાનમંડળ વિસ્તરણઃ પાંચ દિવસ પછી તાનાજી સાવંત અને શિવતારેના સૂર બદલાયાં

મુંબઈ: રાજ્યમાં કેબિનેટ વિસ્તરણ બાદ મહાયુતિના ત્રણેય પક્ષના કેટલાક વિધાનસભ્યો નારાજ છે. મંત્રીમંડળના વિસ્તરણમાં તક મળશે તેવી આશા હોવા છતાં કેટલાકે ઘણાને બાકાત રાખવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. શિંદે જૂથની શિવસેનાના અનેક વિધાનસભ્યોના નામ આવ્યા છે અને પૂર્વ પ્રધાન તાનાજી સાવંત અને વિજય શિવતારેએ પણ નારાજગી વ્યક્ત કરી છે. જો કે પાંચ દિવસ બાદ તેમની નારાજગી ઓસરી ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
અસંતુષ્ટ વિધાનસભ્ય વિજય શિવતારેએ જણાવ્યું હતું કે ‘હું નારાજ નહોતો, એકનાથ શિંદેના વિશ્વસનીય સહાયકનું પદ મારા મમ્મટે વધુ મહત્વનું છે. પ્રધાન મંડળના વિસ્તરણ બાદ પાંચ દિવસમાં વિજય શિવતારેનો સૂર બદલાયો હતો.
વિજય શિવતારે નાગપુરમાં વિધાનસભા સત્ર છોડીને મત વિસ્તારમાં પાછા ફર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘મારા પરિવારને અપેક્ષા હતી કે મને પ્રધાન પદ મળશે. જોકે, પ્રધાન પદ નહીં મળવાથી બીજા દિવસે હું થોડો ભાવુક થઈ ગયો હતો.
ભવિષ્યમાં એકનાથ શિંદે મને જે પણ પદ આપશે તે હું સ્વીકારીશ.’ છેલ્લા ચાર દિવસથી તેમનો રોષ દૂર થયો હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો : મુંબઈ સેન્ટ્રલ બસ સ્ટેન્ડની કાયાપલટ થશેઃ 1.64 કરોડના ખર્ચે ક્રોક્રીટીકરણ કરાશે…
રાજ્યની મહાયુતિ સરકારમાં મંત્રીપદ ફાળવાયા બાદ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરનારા શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ પણ કહ્યું હતું કે તેઓ નારાજ નથી. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આગામી દિવસોમાં ચોક્કસ સારી તક આપશે એવું તેમનું માનવું છે.
તમામ વિધાનસભ્યોની નારાજગી હવે દૂર થઇ ગઇ છે, તેઓ પણ અઢી વર્ષની ફોર્મ્યુલા સાથે સહમત છે. ‘જો અમને રાજીનામું આપવાનું કહેવામાં આવશે, તો અમે તેને તાત્કાલિક આપીશું’ એમ પ્રધાન ભરત ગોગાવલેએ જણાવ્યું હતું.