આમચી મુંબઈ

મુંબઈગરાઓ સંભાળજો! ડાયાબિટીઝના દર્દીની સંખ્યા વધી

૪૬ ટકા મુંબઈગરાનું વજન સરેરાશ કરતા વધુ, મહિલામાં વધતી સ્થૂળતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ડાયાબિટીઝના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનો ચોંકાવનારો અહેવાલ આવ્યો છે, તેમાં પણ ભૂખ્યાપેટે નાગરિકોમાં સાકરનું પ્રમાણ વધુ હોવાનું જણાયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન અને મુંબઈ મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે સર્વેક્ષણ કર્યો હતો, જેમાં આ ચોંકાવનારી વિગત બહાર આવી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન (ડબ્લુએચઓ) અને મુંબઈ મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે મુંબઈમાં ૨૦૨૧માં કરેલા સ્ટેપ્સ સર્વેક્ષણ મુજબ ૧૮થી ૬૯ વર્ષની ઉંમરના લગભગ ૧૮ ટકા વ્યક્તિઓમાં ભૂખ્યાપેટે લોહીમાં સાકરનું પ્રમાણ ૧૨૬ મિલીગ્રામ કરતા વધુ જણાયું છે. પ્રી-ડાયાબિટીઝની ટકાવારી ૧૫.૬ ટકા છે. જો આવી વ્યક્તિ પ્રતિબંધાત્મક ઉપાય નહીં કરે તો આવી વ્યક્તિને ભવિષ્યમાં આગળ જઈને ડાયાબિટીઝ થઈ શકે છે. ૮.૩ ટકા વ્યક્તિમાં હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીઝ આ બંને બીમારી મળી આવી છે. સ્થૂળતા અને બેસીના કામ કરનારી વ્યક્તિમાં ટાઈપ-ટુ ડાયાબિટીઝનું જોખમ વધુ હોય છે અને સામાન્ય રીતે ૩૫ વર્ષ કરતા અથવા તેનાથી વધુ વ્યક્તિને પ્રભાવિત કરે છે.
પાલિકાના આરોગ્ય ખાતાએ મુંબઈગરાને ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરની ટેસ્ટ કરાવી લેવા માટે મુંબઈ મહાનગરપાલિકાના ‘આપલા દવાખાના’નો સંપર્ક સાધવાની અપીલ કરી છે. તેમ જ નાગરિકોને જીવનશૈલી સુધારવાની અપીલ પણ કરી છે.
નાગરિકોના વજન સરેરાશ કરતા વધુ
મુંબઈના સ્ટેપ્સ સર્વેક્ષમાં એવું જણાયું હતું કે મુંબઈના ૪૬ ટકા નાગરિકોના વજન સરેરાશ કરતા વધુ છે (ડબ્લુએચઓના વર્ગીકરણ અનુસાર બીએમઆઈ ૨૫ કિલોગ્રામ/એમ૨ અથવા તેના કરતા વધુ). ૧૨ ટકા મુંબઈગરા સ્થૂળ (ડબ્લુએચઓ વર્ગીકરણ અનુસાર બીએમઆઈ ૩૦ કિલોગ્રામ /એમ૨ અથ્ા તેના કરતા વધુ) હોવાનું જણાયું છે. તેમાં પણ મહિલાઓ વધુ સ્થૂળતા જણાઈ છે.

૧૨ ટકા વ્યક્તિઓમાં સાકરનું પ્રમાણ વધુ
પાલિકાના ‘આપલા દવાખાના’માં દર મહિને ૬૦થી ૭૦ હજાર નાગરિકોની ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવે છે અને લગભગ ૫૦,૦૦૦ દર્દી નિયમિત રીતે ડાયાબિટીઝની સારવાર લઈ રહ્યા છે. ૩૦ વર્ષ કરતા વધુ ઉંમરની વ્યક્તિઓ માટે પાલિકાએ પોતાની ૨૬ હૉસ્પિટલમાં ઑગસ્ટ, ૨૦૨૨થી ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશર તપાસ કેન્દ્ર (એનસીડી કૉનર્ર) ચાલુ કર્યા છે. આ કેન્દ્રના માધ્યમથી ઑગસ્ટ, ૨૦૨૨થી અત્યાર સુધી બે લાખ ૫૪ હજાર વ્યક્તિની આરોગ્યની તપાસ કરવામાં આવી છે. તપાસ કર્યા બાદ ૧૨ ટકા વ્યક્તિઓમાં સાકરનું પ્રમાણ ૧૪૦ મિલીગ્રામ કરતા વધુ હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button