ટી-20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમને રૂ. 11 કરોડનું ઈનામ: એકનાથ શિંદે

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમને માટે રૂ. 11 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.
મુંબઈના વિધાન ભવનના સેન્ટ્રલ હોલ (રાજ્ય વિધાનસભા સંકુલ)માં આ જાહેરાત કરવામાં આવી હતી જ્યાં ટીમના ચાર મુંબઈના ખેલાડીઓ – કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન શિંદેએ તેમના ભાષણમાં વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં સૂર્યકુમાર યાદવના શાનદાર કેચની ખાસ પ્રશંસા કરી હતી. શિંદેએ સપોર્ટ ટીમના સભ્યો પારસ મ્હામ્બ્રે અને અરુણ કાનડેના યોગદાનની પણ તેમનું સન્માન કરીને નોંધ લીધી હતી. મુખ્ય પ્રધાને ગુરુવારે દક્ષિણ મુંબઈમાં ટીમની વિજય પરેડ દરમિયાન અસરકારક ભીડ વ્યવસ્થાપન માટે મુંબઈ પોલીસની પણ પ્રશંસા કરી હતી. (પીટીઆઈ)