ઓવરટેકના પ્રયાસમાં એસયુવી બાઈક સાથે ટકરાતાં પાંચનાં મોત: ત્રણ જખમી

મુંબઈ: ઓવરટેકના પ્રયાસમાં પૂરપાટ દોડતી એસયુવી સામેથી આવેલી બાઈક સાથે ટકરાયા પછી રસ્તાને કિનારે ઝાડ સાથે ભટકાઈ હોવાની ઘટના નાશિક જિલ્લાના દિંડોરી નજીક બની હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ત્રણની હાલત નાજુક હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની બપોરે બે વાગ્યાની આસપાસ દિંડોરી-નાશિક રોડ પર ચિંચબારી ખાતે બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની ઓળખ અનિલ બોડકે, તેનો પુત્ર રાહુલ બોડકે, મૂકેશ કુમાર યાદવ (25), અમન રામકેશ યાદવ (18) અને કુસુમદેવી રામકેશ યાદવ (45) તરીકે થઈ હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યુ હતું કે એસયુવી વણીથી નાશિક તરફ આવી રહી હતી. એક વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં એસયુવીના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. એસયુવી સામેથી આવેલી બાઈકને ટકરાયા પછી રસ્તાને કિનારે ઝાડ સાથે અથડાઈ હતી.
અકસ્માતમાં નિફાડમાં રહેતા બોડકે પિતા-પુત્રનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે એસયુવીમાં પ્રવાસ કરી રહેલા નાશિકના યાદવ પરિવારના ત્રણ સભ્યે પણ જીવ ગુમાવ્યા હતા. જખમી ત્રણ જણને સારવાર માટે નાશિક શહેરની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)