મુંબઈના આ ગણપતિ વિસર્જન વિના જ ગિરગાંવ ચોપાટીથી પાછા ફર્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો…

મુંબઈઃ મુંબઈ સહિત રાજ્યભરમાં ભક્તોએ ભારે હૈયે, અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય આપી, પરંતુ મુંબઈના જાણીતા અને માનીતા ગણપતિ લાલબાગચા રાજાનું વિસર્જન ટેક્નિકલ કારણોસર વિલંબમાં પડ્યું છે.
જોકે, મુંબઈના એક બીજા બાપ્પા પણ છે કે જેઓ ગિરગાંવ ચોપાટીથી પાછા પોતાના મંડપ ફર્યા છે અને તેમનું વિસર્જન નથી કરાયું. ચાલો તમને જણાવીએ આખરે કયા છે આ બાપ્પા અને કયા કારણસર તેમનું વિસર્જન નથી કરી શકાયું-
અહીં જે મંડળની વાત થઈ રહી છે તે છે ગિરગાંવનું પહેલી સુતારગલ્લી સાર્વજનિક ગણેશોત્સવ મંડળ. આ મંડળે આ વર્ષથી એક ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે 39 ફૂટ ઊંચી ફાઈબરની ભવ્ય ગણેશમૂર્તિ બનાવી છે.
આપણ વાંચો: સુરતમાં 21 કૃત્રિમ તળાવોમાં શ્રીગણેશજીની 80 હજારથી વધુ મૂર્તિઓનું ઇકો-ફ્રેન્ડલી વિસર્જન
આ મૂર્તિને તેઓ ગિરગાંવ ચોપાટી સુધી લઈ જઈને તેના પર જળાભિષેક કરીને પાછી મંડપમાં લઈ આવ્યા છે. આ મૂર્તિને તેઓ હજી ત્રણથી ચાર વર્ષ સુધી પોતાની પાસે રાખશે અને તેમાં નાના મોટા ફેરફાર કરીને જ ગણેશોત્સવ દરમિયાન તેની સ્થાપના કરવામાં આવશે.
છેલ્લાં કેટલાક વર્ષોની વાત કરીએ તો પીઓપી અને ઈકોફ્રેન્ડલી ગણેશમૂર્તિ બાબતે ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે અને આ જ બાબતને ધ્યાનમાં લઈને પર્યાવરણને નુકસાન ના થાય એટલે મંડળ દ્વારા આ અનોખું પગલું લેવામાં આવ્યું છે.
મંડળના અધ્યક્ષે જણાવ્યું હતું કે દર વર્ષે પીઓપીની મૂર્તિ પર આશરે સાડાચારથી પાંચ લાખનો ખર્ચ થાય છે. આ વખતે ફાઈબરની મૂર્તિ બનાવવા માટે આઠ લાખનો ખર્ચ આવ્યો છે, પણ તેમ છતાં આગામી કેટલાક વર્ષો સુધી આ જ મૂર્તિની સ્થાપના કરી શકાશે, એટલે ઘણો ખર્ચ થતો બચી ગયો છે.
આપણ વાંચો: લાલબાગચા રાજાના વિસર્જનમાં વિઘ્ન: હવે આ સમયે વિસર્જન થશે, જૂની બોટ પાછી લાવવામાં આવી…
મંડળ દ્વારા બાપ્પાની પારંપારિક શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી અને મૂર્તિને ગિરગાંવ ચોપાટી સુધી લઈ જવામાં આવી હતી. પરંતુ મૂર્તિનું વિસર્જન ન કરતાં જળાભિષેકની ધાર્મિક ક્રિયા પાર પાડીને મૂર્તિને પાછી મંડપમાં લાવવામાં આવી છે.
આ અનોખી પહેલથી સુતારગલ્લી મંડળે પર્યાવરણ સંવર્ધનનો સંદેશ આપ્યો હોઈ ભવિષ્યમાં અન્ય ગણેશ મંડળો માટે પણ એક આદર્શ સમાન સાબિત થઈ શકેછે. પારંપારિક ઉત્સાહ અને ઉજવણીને જાળવી રાખીને પણ પર્યાવરણપૂરક ઉજવણી કરી શકાય છે, એ વાત આ મંડળની અનોખી પહેલ પરથી સાબિત થઈ ગયું છે.