આમચી મુંબઈ

શંકાશીલ પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહ જર્જરિત મકાનમાં દાટ્યો

થાણે: શંકાશીલ પતિએ ગળું દબાવી પત્નીની કથિત હત્યા કર્યા બાદ મૃતદેહને ભિવંડીના જર્જરિત મકાનમાં દાટી દીધો હોવાની ઘટના સામે આવી હતી. આરોપીની કબૂલાત પછી મહિલાનો કોહવાયેલો મૃતદેહ જમીનમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.

ગણેશપુરી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર ધર્મરાજ સોનકેએ જણાવ્યું હતું કે અંબરનાથમાં રહેતી જ્યોત્સ્ના શેલાર (27) પાંચમી માર્ચે અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં તેની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન જ્યોત્સ્ના ભિવંડી પરિસરમાં આવ્યા પછી ગુમ થઈ હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન મળેલી કેટલીક કડીને આધારે પોલીસે જ્યોત્સ્નાના પતિ દિગંબર શેલાર (29)ને તાબામાં લીધો હતો. આકરી પૂછપરછમાં દિગંબરે પત્નીની હત્યા કરી મૃતદેહને ભિવંડી તાલુકાના આનગાંવ સ્થિત એક અવાવરુ ઘરમાં જમીનમાં ખાડો ખોદી દાટી દીધો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ લગ્ન પછી શેલાર દંપતી અમુક મહિના સાથે રહ્યું હતું. જોકે બાદમાં દિગંબર પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી તેની સાથે ઝઘડા કરવા લાગ્યો હતો. વારંવારના ઝઘડાથી કંટાળી પત્ની અંબરનાથમાં પિયરમાં રહેવા જતી રહી હતી.

પાંચમી માર્ચે આરોપી પત્નીને મળ્યો હતો અને તેની સાથે ભિવંડી સ્થિત વતનના ઘરે સાથે આવવા પત્નીને મનાવી લીધી હતી. ભિવંડીમાં આવ્યા પછી ગળું દબાવી હત્યા કર્યા બાદ આરોપીએ પત્નીના મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો.
આરોપીએ આપેલી માહિતી પછી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી ઘટનાના 12 દિવસ બાદ જ્યોત્સ્નાના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ પ્રકરણે આરોપી વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાના પ્રયાસ બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button