ગૌમાંસની શંકા પરથી વૃદ્ધની મારપીટ: આરોપીને આગોતરા જામીન કોર્ટે નકાર્યા... | મુંબઈ સમાચાર

ગૌમાંસની શંકા પરથી વૃદ્ધની મારપીટ: આરોપીને આગોતરા જામીન કોર્ટે નકાર્યા…

મુંબઈ: એક્સપ્રેસ ટ્રેનમાં ગૌમાંસ લઈ જતા હોવાની શંકા પરથી 71 વર્ષના વૃદ્ધની મારપીટ કરવાના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે સિનિયર સિટિઝનને નિર્દયતાથી ફટકારવામાં આવ્યા હોવાની નોંધ કરી આરોપીને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.

આ પણ વાંચો : વોટ મેળવવા મહારાષ્ટ્ર સરકારનો ‘રાજ્યમાતા – ગોમાતા’નો નિર્ણય: કોંગ્રેસ

જસ્ટિસ આર. એન. લદ્ધાની સિંગલ બૅન્ચે 18 ઑક્ટોબરે આપેલા ચુકાદામાં આકાશ આવ્હાડને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને કેસની તપાસ પ્રારંભિક તબક્કામાં હોવાથી કસ્ટડીમાં પૂછપરછ જરૂરી હોવાની નોંધ કરી હતી.

71 વર્ષના સિનિયર સિટિઝનની નિર્દયતાથી પીટાઈ કરવામાં આવી હતી. તપાસ પ્રારંભિક તબક્કામાં છે. તેથી વધુ તપાસ માટે અરજકર્તા (આવ્હાડ)ની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે, એવું કોર્ટે જણાવ્યું હતું.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આગોતરા જામીન આપવામાં આવશે તો તપાસમાં અપરોધ ઊભો થઈ શકે છે.

આરોપી વિરુદ્ધ પોલીસે ધાર્મિક લાગણી દુભાવવા માટે અને ગંભીર ઇજા પહોંચાડવા માટે વધારાની કલમો લાગુ કરતાં ફરીથી ધરપકડના ડરે આરોપીએ આગોતરા જામીન માટે અરજી કરી હતી.

ઘટનાને પગલે થાણે પોલીસે ગુનો નોંધી આવ્હાડ અને અન્ય કથિત હુમલાખોરોની ધરપકડ કરી હતી. બાદમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો.

ફરિયાદ અનુસાર સિનિયર સિટિઝન ધુળે-સીએસએમટી એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં 28 ઑગસ્ટે ચાલીસગાંવથી કલ્યાણ જઈ રહ્યા હતા. બૅગ સાથે વૃદ્ધ કલ્યાણ સ્ટેશને ઊતરી રહ્યા હતા ત્યારે ટ્રેનના પ્રવાસીઓને બૅગમાં ગૌમાંસ હોવાની શંકા ગઈ હતી. શંકાને પગલે વૃદ્ધને રોકી ગાળાગાળી કર્યા પછી મારપીટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : હરિયાણામાં મોબ લીન્ચિંગ: ગૌરક્ષકોએ પરપ્રાંતિય શ્રમિકને ઢોરમાર મારી હત્યા કરી, મુખ્ય પ્રધાને આપી પ્રતિક્રિયા…

પોલીસે દાવો કર્યો હતો કે વૃદ્ધની મારપીટ કરવામાં આવી રહી હતી ત્યારે આવ્હાડે મોબાઈલ ફોનથી તેનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. કોર્ટે જણાવ્યું હતું કે આવ્હાડ સહિત પાંચથી છ જણે મારપીટ કરી હતી. (પીટીઆઈ)

સંબંધિત લેખો

Back to top button