આમચી મુંબઈ

મુંબઈમાં ૩૯ લાખ ઘરોમાં થશે સર્વેક્ષણ: નાગરિકોને આપવા પડશે ૧૬૦થી વધુ સવાલોના જવાબ

નાગરિકોના રોષનો ભોગ બન્યા પાલિકા કર્મચારીઓ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મંગળવારથી મરાઠા સમુદાય અને ઓપન કેટેગરીના નાગરિકોનો સર્વેક્ષણ ચાલુ કરી દેવામાં આવ્યો છે. પહેલા જ દિવસે મુંબઈ ૨,૬૫,૦૦૦ ઘરોના સર્વેક્ષણ કરવામાં આવ્યા હતા. સર્વેક્ષણના જોકે પહેલાં જ દિવસે અમુક જગ્યાએ પાલિકાના કર્મચારીઓને નાગરિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. તેથી પાલિકા પ્રશાસને મુંબઈના નાગરિકોને આ સર્વેક્ષણમાં સહયોગ આપવાની વિનંતી કરી છે.

મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી પંચના નિર્દેશ મુજબ મુંબઈમાં ૨૩ જાન્યુઆરી, ૨૦૨૩થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ દરમિયાન મરાઠા સમાજ અને ઓપન કેટગરીનો ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ કરવામાં આવવાનો છે. આ સર્વેક્ષણ મુંબઈના લગભગ ૩૯ લાખ ઘરોમાં જઈને કરવામાં આવવાનો છે, તેમાં હાઉસિંગ સોસાયટી, ચાલી સહિત ઝૂંપડપટ્ટીનો પણ સમાવેશ થાય છે. મંગળવારના પહેલા જ દિવસે મુંબઈના ૨,૬૫,૧૨૦ ઘરોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યા હતા. તે માટે પાલિકાએ પોતાના ૩૦,૦૦૦ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

સર્વેક્ષણના પહેલાં જ દિવસે જો અનેક અડચણો આવી હતી. અનેક હાઉસિંગ સોસાયટીમાં પાલિકાના કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. સર્વેક્ષણમાં નાગરિકોની વિગત સોફટવેરમાં અપલોડ કરવામાં આવી રહી છે, તે મશીનમાં અડચણ આવી હતી. તો અમુક જગ્યાએ સર્વેક્ષણમાં પૂછવામાં આવી રહેલા પ્રશ્ર્નો સામે નાગરિકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેના જણાવ્યા મુજબ રાજ્યના લઘુમતી પંચ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ મુજબ નાગરિકોને તેમના ધર્મ, સોશિયલ, હેલ્થ, તેમના રીતિ-રિવાજ, એજ્યુકેશન સહિત તેમની આર્થિક બાબતોને લગતી માહિતી પૂછવામાં આવી રહી છે. આ તમામ માહિતી સોફટવેરમાં સીધી અપલોડ કરવામાં આવી રહી છે અને તેમની અંગત બાબતો જાહેર થશે નહીં. સર્વેક્ષણમાં ૧૬૦થી ૧૮૨ સવાલોના જવાબ આપવાના છે. જોકે જે નાગરિકો પહેલાથી રિઝર્વેશનનો લાભ લઈ રહ્યા છે, તેમને ફક્ત પાંચથી છ સવાલના જવાબ આપવાના રહેશે. જે લોકો ઓપન કેટેગરીના છે અને અનામતનો કોઈ લાભ લઈ રહ્યા નથી તેમને ૧૬૦ જેટલા પ્રશ્ર્નના જવાબ આપવાના રહેશે. જે નાગરિકો પોતાની માહિતી આપવા ઈચ્છુક ન હોય તેઓ ઈનકાર કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button