થાણેમાં જ્વેલર્સ દુકાનમાં ચોરી કરનારી સુરતી ગૅન્ગ 72 કલાકમાં પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણેના જાણીતા વામન શંકર મરાઠે જ્વેલર્સ દુકાનમાંથી અંદાજે 29 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરવા પ્રકરણે થાણે પોલીસે સુરતી ગૅન્ગને પકડી પાડી હતી.
થાણેની એન્ટિ-એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની ટીમની મદદથી પકડી પાડેલા આરોપીઓની ઓળખ લીલારામ ઉર્ફે લિલેશ માલારામ મેઘવાળ (29), ચુનીલાલ ઉર્ફે સુમત શંકરલાલ પ્રજાપતિ (35), દોનારામ ઉર્ફે દિલીપ માલારામ પરાડિયા (24), નાગજીરામ પ્રતાપજી મેઘવાળ (29) અને જૈસારામ ઉર્ફે જેડી દેવારામ કલબી (32) તરીકે થઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર થાણેમાં સ્ટેશન નજીક આવેલી જ્વેલર્સની દુકાનમાં 17 ડિસેમ્બરની મધરાતે ચોરીની ઘટના બની હતી. મધરાતે દોઢ વાગ્યાની આસપાસ શટર તોડીને ચોર દુકાનમાં ઘૂસ્યા હતા. દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી ટોળકી ફરાર થઈ ગઈ હતી. આ પ્રકરણે નૌપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
એન્ટિ-એક્સ્ટોર્શન સેલના ઇન્ચાર્જ શેખર બાગડેના માર્ગદર્શન હેઠળ એપીઆઈ સુનીલ તારમળેની ટીમે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. ઈલેક્ટ્રિશિયનનું કામ કરતો જેડી કલબી ચેમ્બુર નજીક વાશીનાકા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. તાબામાં લેવાયેલા કલબીએ આપેલી માહિતી પરથી પોલીસની ટીમ સુરત ગઈ હતી અને બાકીના આરોપીઓને પકડી પાડ્યા હતા.
આ પણ વાંચો :નવી મુંબઈ-થાણે ગેરકાયદે વસવાટ કરતાં 18 બાંગ્લાદેશી પકડાયા…
આરોપીઓ પાસેથી સોનાના દાગીના, સાડાપાંચ કિલો વજનનાં ચાંદીના સિક્કા, વાસણો અને દાગીના મળી અંદાજે 29 લાખની મતા હસ્તગત કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધ સુરત અને રાજસ્થાનનાં પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું. કોર્ટે આરોપીઓને 26 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ વધુ તપાસ કરી રહી છે.