
મુંબઈ: અનધિકૃત મુસાફરીને કાબૂમાં લેવા માટે પશ્ચિમ રેલવેએ ૨૩ અને ૨૪મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ એર-કન્ડિશન્ડ લોકલ ટ્રેન સેવાઓમાં સવારે અને સાંજના પીક અવર્સ દરમિયાન બે દિવસની સ્પેશિયલ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન 1,200થી વધુ ખુદાબક્ષ પકડાયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
રેલવે પ્રોટેક્શન ફોર્સના સહયોગથી હાથ ધરવામાં આવેલી આ ડ્રાઈવને પરિણામે માન્ય ટિકિટ વિના મુસાફરી કરતા ૧,૨૭૩ મુસાફરોને શોધી કાઢવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રૂ. ૪ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ડ્રાઇવના પ્રથમ દિવસે, ૫૯૫ મુસાફરોને દંડ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ બીજા દિવસે ૬૭૮ મુસાફરોને દંડ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ; હવે આ કારણે મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવા ખોરવાઇ…
હાલમાં, પશ્ચિમ રેલવેનું મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન ૭૯ એસી લોકલ ટ્રેન સેવાઓનું સંચાલન કરે છે, જે દરરોજ ૧.૫ લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે. આ ડ્રાઈવ તમામ કાયદેસર મુસાફરો માટે મુશ્કેલી મુક્ત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા અને ખાસ કરીને વ્યસ્ત મુંબઈ ઉપનગરીય વિભાગમાં ટિકિટ વિનાની મુસાફરીને રોકવા માટે પશ્ચિમ રેલવેના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકે કહ્યું હતું કે એસી લોકલના પ્રવાસીઓને મુસાફરી કરવામાં કોઈ મુશ્કેલી પડે નહીં એની ખાસ તકેદારી રાખવામાં આવે છે. આ ઉદ્દેશને લઈને રેગ્યુલર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. પશ્ચિમ રેલ્વે તમામ મુસાફરોને વિવિધ ઉપલબ્ધ માધ્યમો, જેમ કે ટિકિટ બુકિંગ કાઉન્ટર, એટીવીએમ મશીનો અથવા યૂટીએસ એપ દ્વારા ઓનલાઈન ટિકિટો મેળવવા વિનંતી કરે છે.
અહીં એ જણાવવાનું કે પશ્ચિમ રેલવેની એસી લોકલમાં ટિકિટચેકર સાથે પ્રવાસીએ મારપીટ કરવાનો કિસ્સો બન્યો હતો. આ મુદ્દો એટલો ગંભીર બન્યો હતો કે મારપીટ કર્યા પછી પ્રવાસીએ ચીફ ટીસીની માફી માગ્યા પછી કેસ નોંધ્યો નહોતો. આ મુદ્દાને રાજકીય સ્વરુપ મળ્યું હતું.