અજિત પવારના જન્મ દિવસે સુપ્રિયા સુળેનું ટ્વિટ ચર્ચામાં
મહારાષ્ટ્રના રાજકારણમાં આજે કંઇક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના બે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિતદાદા પવારનો જન્મ દિવસ છે અને આ દિવસ પર રાજ્યભરના નેતાઓ અને મહાનુભાવો બંને નાયબ મુખ્ય પ્રધાનને અભિનંદન પાઠવી રહ્યા છે. અજિત પવારના જન્મ દિવસ નિમિત્તે NCP: શરદચંદ્ર પવાર પાર્ટીના સાંસદ અને અજીતદાદાની બહેન સુપ્રિયા સુળેએ પણ તેમને શુભેચ્છા પાઠવી છે.
ગયા વર્ષે જુલાઈમાં એનસીપીનું વિભાજન થયું અને અજિત પવારે અલગ રસ્તો પસંદ કર્યો અને સત્તામાં આવ્યા. ગયા વર્ષના જન્મ દિવસે કંઇક અલગ માહોલ હતો. સુપ્રિયા દીદીને ભાઇ પર રોષ હતો. અજિત પવારે છેડો ફાડવાથી શરદ પવાર જૂથ ગુસ્સામાં હતું, પણ હવે આ વર્ષએ કંઇક અલગ માહોલ જોવા મળી રહ્યો છે.
ભાઇના જન્મ દિવસ પર ટ્વિટ કરીને સુપ્રિયા સુળેએ તેમને શુભેચ્છા પાઠવી છે. “રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન શ્રી અજીતદાદા પવાર તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય!” એમ તેમણે ટ્વિટમાં લખ્યું છે. જોકે, તેમના કેટલાક સમર્થકોને આ વાત પસંદ નથી આવી અને તેમણે સુપ્રિયા સુળેને થોડા કડક બનવાની પણ સલાહ આપી છે.
राज्याचे उपमुख्यमंत्री मा. अजितदादा पवार आपणांस वाढदिवसाच्या हार्दिक शुभेच्छा. आपणांस उत्तम आरोग्य व दीर्घायुष्य लाभो ही सदिच्छा! pic.twitter.com/tkFMqIIZiS
— Supriya Sule (@supriya_sule) July 22, 2024
સુપ્રિયા સુળેએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે દાદાને શુભેચ્છા પાઠવી છે. તેમણે આ જ સંદેશો કોપી પેસ્ટ કરીને રાજ્યના અન્ય નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
દરમિયાનમાં અજિત પવારે પોતે ટ્વિટ કરીને તેમની પત્ની અને રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવારના વખાણ કર્યા છે. અજિત દાદાએ આ ટ્વિટમાં જણાવ્યું હતું કે, હું રાજ્યનું સંચાલન કરી રહ્યો છું અને રાજ્યનું ગાડી હાંકી રહ્યો છું ત્યારે હંમેશા મારી પડખે ઉભી રહેનારી મારી અર્ધાંગિનીએ મને ગુલાબનું ફૂલ આપીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
मी राज्याचा गाडा हाकत असताना आयुष्यभर माझ्या पाठीशी खंबीरपणे उभी राहिलेल्या माझ्या अर्धांगिनी ने गुलाबाचे फूल देऊन मला वाढदिवसाच्या शुभेच्छा दिल्या. @SunetraA_Pawar pic.twitter.com/XjDbagHKvT
— Ajit Pawar (@AjitPawarSpeaks) July 22, 2024
અજિત પવારના જૂથના ત્રણ વિધાન સભ્યએ હાલમાં જ શરદ પવાર-અજિત પવાર એકસાથે આવવા અંગે સૂચક નિવેદનો કર્યા છે અને હવે સુપ્રિયા દીદી તેમના વહાલા ભાઇ અજિત પવારને જન્મ દિવસની શુભેચ્છા આપી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં કંઇક અવનવું થવાના સંકેત વર્તાઇ રહ્યા છે.