રાષ્ટ્રીય હિતમાં હાથ મિલાવવામાં કંઈ ખોટું નથી: રાજ ઠાકરેના સંભવિત એમવીએ સમાવેશ પર સુળે

પુણે: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ)માં જોડાયા હોવાની ચર્ચા વચ્ચે, એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ બુધવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય હિતમાં સાથે આવવામાં કંઈ ખોટું નથી.
જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વરિષ્ઠ એમવીએના નેતાઓ ગઠબંધનમાં મનસેના સમાવેશ અંગે વિચારણા કરશે અને નિર્ણય લેશે.
શું એમવીએને રાજ ઠાકરેમાં કોઈ નવો સાથી મળ્યો છે કે કેમ એવા સવાલના જવાબમાં સુળેએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય હિતમાં સાથે આવવામાં કંઈ ખોટું નથી.
‘પરંતુ રાજ ઠાકરેને એમવીએમાં સમાવવાનો નિર્ણય બધા વરિષ્ઠ નેતાઓ દ્વારા લેવામાં આવશે. આ મુખ્ય રાજકીય નિર્ણયો છે અને કેમેરાની સામે લેવામાં આવતા નથી. આવી ચર્ચાઓ મીટિંગમાં થાય છે. અમે મીટિંગ પછી નિર્ણય જણાવીશું,’ એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ‘એક છત નીચે’ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે: ચૂંટણી અધિકારીની મુલાકાતમાં વિપક્ષ એક, શાસક પક્ષ ગેરહાજર!
રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમની મુલાકાત લીધી હતી અને મતદારોની યાદી સહિત ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ સામે ફરિયાદ કરી હતી.
રાજ ઠાકરેની સક્રિય ભાગીદારીથી મનસે મોટા વિપક્ષી જૂથમાં જોડાશે કે કેમ તે અંગે નવી ચર્ચા શરૂ થઈ.
સોમવારે, શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે મનસે કોંગ્રેસને સાથે રાખવા માંગે છે. જોકે, રાજ્ય કોંગ્રેસના નેતાઓના એક વર્ગે મનસે સાથે હાથ મિલાવવાના કોઈપણ પગલાનો વિરોધ કર્યો છે.
દરમિયાન, ભાગેડુ ગેંગસ્ટર નીલેશ ઘાયવળ સાથેના પાસપોર્ટ વિવાદ અને એમવીએ સરકારના કાર્યકાળ દરમિયાન પાસપોર્ટ મેળવ્યા હોવાના આરોપો વિશે પૂછવામાં આવતા, સુળેએ કહ્યું હતું કે, ‘પાસપોર્ટ જારી કરનાર વિદેશ મંત્રાલય છે, પોલીસ નહીં. દરેક વ્યક્તિ પ્રક્રિયાથી વાકેફ છે અને દરેક વ્યક્તિ જાણે છે કે છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં સત્તામાં કોણ છે.’
ઘાયવળ જેની સામે અનેક ગંભીર કેસ છે, તે છેતરપિંડી કરીને પાસપોર્ટ મેળવીને દેશ છોડીને ભાગી ગયો હોવાની શંકા છે. પુણે પોલીસે જણાવ્યું હતું કે તેઓએ તેની સામે લુક આઉટ નોટિસ જારી કરી છે અને તે પણ તપાસ કરી રહી છે કે તેની સામે અનેક કેસ હોવા છતાં તેણે પાસપોર્ટ કેવી રીતે મેળવ્યો.