યુએસમાં અકસ્માત પછી મહારાષ્ટ્રની દીકરી કોમામાં સરી પડી, મદદ માટે સુપ્રિયા સુળેએ ભારત સરકારને કરી અપીલ

મુંબઈ: અમેરિકામાં અભ્યાસ કરતી મૂળ મહારાષ્ટ્રના સતારાની વિદ્યાર્થીની નિલમ શિંદને એક અકસ્માત નડ્યો હતો. 14 ફેબ્રુઆરીના રોજ કેલિફોર્નિયામાં થયેલા અકસ્માત બાદ 35 વર્ષીય નિલમ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી છે, અહેવાલ મુજબ નિલમ કોમામાં સરી પડી છે. સતારામાં રહેતા વિદ્યાર્થીનીના પરિવારને યુએસના વિઝા નથી મળી રહ્યા, એવામ NCP (SP) સાંસદ સુપ્રિયા સૂળે પરિવારની મદદે આવ્યા છે.
નિલમ શિંદે છેલ્લા ચાર વર્ષથી યુએસમાં છે અને હાલ માસ્ટર ઓફ સાયન્સના છેલ્લા વર્ષમાં છે. ગત 14મી ફેબ્રુઆરીના રોજ એક કારે નીલમને ટક્કર મારતાં તેના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે તથા છાતી અને માથાના ભાગમાં પણ ઈજા થઇ. તેના પરિવારને બે દિવસ પછી અકસ્માતની જાણ થઈ. પરિવારના જણાવ્યા અનુસાર, હોસ્પિટલે તેના મગજનું ઓપરેશન કરવાની પરવાનગી માંગી હતી.
પરિવારની વિઝા નથી મળી રહ્યા:
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની નિલમના પિતા તાનાજી શિંદેએ જણાવ્યું કે “અમને 16 ફેબ્રુઆરીએ અકસ્માતની જાણ થઈ અને ત્યારથી અમે વિઝા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ અમને હજુ સુધી વિઝા મળ્યા નથી.”
શિંદે પરિવારના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં નિલમના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે. હોસ્પિટલ દરરોજ નિલમના સ્વાસ્થ્ય અંગે પરિવારને અપડેટ્સ આપી રહી છે. નિલમના કાકાએ જણાવ્યું કે તેઓ વિઝા માટે સ્લોટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આગામી સ્લોટ આવતા વર્ષનો છે.
આ પણ વાંચો : Pawar Familyમાં કોનું ચાલે છે રાજ? Supriya Suleએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
સુપ્રિયા સુળેએ મદદે આવ્યા:
NCP (SP) સાંસદ સુપ્રિયા સુળેએ પરિવારને મદદ કરવા વિદેશ પ્રધાન એસ જયશંકરને અપીલ કરી છે.
સુપ્રિયા સુળેએ X પોસ્ટમાં વિદેશ પ્રધાનને ટેગ કરીને નિલમના પિતાને મદદ કરવા અપીલ કરી છે. સુપ્રિયા સુળેએ મુંબઈના યુએસ દૂતાવાસનો પણ સંપર્ક કર્યો છે.
સુપ્રિયા સુળેએ એક ન્યુઝ ચેનલને જણાવ્યું કે, “આ એક ચિંતાજનક મુદ્દો છે અને આપણે બધાએ સાથે મળીને તેનો ઉકેલ લાવવામાં મદદ કરવાની જરૂર છે. હું પરિવાર સાથે વાતચીત કરી રહી છું અને તેમને ખાતરી આપી રહી છું કે આનો ઝડપથી ઉકેલ આવશે”
તેમણે એમ પણ કહ્યું કે ભાજપના નેતા જયશંકર સાથે તેમના “રાજકીય મતભેદો” હોઈ શકે છે, પરંતુ જ્યારે પણ વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓના મુદ્દાની વાત આવે છે ત્યારે જયશંકર ખૂબ જ મદદરૂપ રહે છે. તેમણે કહ્યું “વિદેશ મંત્રાલય સાથેનો મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. તેઓ હંમેશા મદદ કરવા માટે આગળ આવે છે.”