પૈસાથી ચૂંટણી જીતી શકાય…: લાડકી બહેન યોજના અંગે આખરે સુપ્રિયા સુળેએ આપી પ્રતિક્રિયા
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ સોમવારે મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના યોજના અંગે મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પૈસાના પાવરથી ચૂંટણી જીતી શકાય એવું શાસક પક્ષ માને છે.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગયા મહિને રાજ્યના બજેટમાં જાહેર કરેલી ‘લાડકી બહેન યોજના’ને આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખૂબ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ 2.5 લાખ રૂપિયાથી ઓછી પારિવારિક આવક ધરાવતી મહિલાઓને આર્થિક સહાય તરીકે 1,500 રૂપિયા મળશે. સુપ્રિયા સુળેએ દલીલ કરી હતી કે ‘સંબંધો અને વ્યવહાર વચ્ચે તફાવત છે. શાસક જોડાણને લાગે છે કે સંબંધો અને ચૂંટણી પૈસાની તાકાતથી જીતી શકાય છે. લોહીના સંબંધો અને પ્રેમ વ્યવહાર કરતા અલગ હોય છે. આ યોજના લોકસભાની ચૂંટણીનું પરિણામ છે જેમાં શાસક જોડાણનો દેખાવ નબળો રહ્યો હતો.’
આ યોજનાને આવકારદાયક લેખાવી બારામતી લોકસભાના સંસદ સભ્યએ ધ્યાન દોર્યું હતું કે છેલ્લા 18-24 મહિનામાં મહારાષ્ટ્રમાં વધી ગયેલી ગુનાખોરીના ડેટાને અવગણી ન શકાય. જૂન ૨૦૨૨થી એકનાથ શિંદે સરકાર સત્તામાં છે. પિતરાઈ ભાઈ અજિત પવારની ‘જન સન્માન યાત્રા’માં ગુલાબી રંગના વર્ચસ્વ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે તેમનું રાજકારણ ‘દિલ સે’ (હૃદયથી) છે. લોકો સાથે સંપર્કમાં રહેવામાં હું રંગને પ્રાધાન્ય નથી આપતી.’
આ પણ વાંચો : એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુળે પર આવી પડી આ મુશ્કેલી, પોલીસ હરકતમાં…
રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં એનસીપી (એસપી) કેટલી બેઠકો પરથી ચૂંટણી લડશે તે અંગે પૂછવામાં આવતા સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે ‘અમે મહા વિકાસ આઘાડી તરીકે 288 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છીએ (જેમાં શિવસેના (યુબીટી) અને કોંગ્રેસનો પણ સમાવેશ થાય છે). એમવીએના તમામ 31 સંસદ સભ્યો વિધાનસભાની ચૂંટણીમાં તેના 288 ઉમેદવારો માટે પડખે ઊભા રહેશે એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ગયા અઠવાડિયે નાણાં બિલ અને વકફ અધિનિયમ સુધારા બિલ પર લોકસભામાં ભાષણ આપ્યા બાદ તેમના પતિ સદાનંદ સુળેને આવકવેરા વિભાગની નોટિસ મળી હતી એનો ઉલ્લેખ કરી સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે ‘શું આ એક યોગાનુયોગ છે કે હું લોકસભામાં રજૂઆત કરું એ પછી મારા પતિને ઈન્ક્મ ટ્રેક્સની નોટિસ મળે છે.’
(પીટીઆઈ)